કલ્પનાના આસમાનમાં લક્ઝુરિયસ સ્કાયક્રુઝની ઊડાન

Monday 11th July 2022 09:31 EDT
 
 

તમે આકાશમાં ઉડતા વિમાન જોયા હશે, સમુદ્રમાં તરતી હોટેલ પણ જોઈ હશે, પણ શું તમે ક્યારે ઉડતી હોટેલ જોઈ છે. સ્વાભાવિક છે કે તમારો જવાબ નામાં જ હશે. પણ હવે સાયન્સ જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે જોતાં એવો સમય દૂર નથી કે આપણે ઉડતી હોટેલ પણ જોઈ શકીશું. તાજેતરમાં આવા જ એક વીડિયોમાં તેની ઝલક જોવા મળી છે. વાસ્તવમાં હાશેમ-અલ-ઘૈલી નામના યુ ટ્યુબરે ઉડનારી હોટેલનો કન્સેપ્ટ વિડીયો જારી કરીને બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયો મુજબ તે સમય પણ આવશે જ્યારે ન્યુક્લિયર પાવરથી સજ્જ સ્કાય હોટેલમાં લોકો મોજમસ્તી કરતા હશે.
આ કન્સેપ્ટ વીડિયો મુજબ આ ઉડનારી હોટેલ વાસ્તવમાં એક વિમાન જ હશે, જે રીતે આપણે સ્ટારવોર્સની ફિલ્મોમાં મહાકાય યાન જોઈએ છીએ તેવું. આ વિમાન ક્યારેય જમીન પર ઉતરશે જ નહીં. તેમાં પાંચ હજારથી વધુ પ્રવાસીઓને એકસાથે બેસવાની સગવડ હશે. ઉડનારી હોટેલ બધા જ પ્રકારની સગવડોથી સજ્જ હશે. આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ ઉડનારી હોટેલમાં રેસ્ટોરાં, વિશાળ શોપિંગ મોલની સાથે જિમ, થિયેટર અને સ્વિમિંગ પુલ પણ હશે. આ વીડિયો મુજબ આ ફ્લાઈંગ હોટેલ વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલનારી સ્કાયક્રુઝ હશે. તેમાં 20 એન્જિન હશે. બધા એન્જિન ન્યુક્લિયર ફ્યુઝનની મદદથી સંચાલિત હશે. આ અનોખા પ્લેનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હશે કે તે ક્યારેય જમીન પર નહીં ઉતરે. સામાન્ય વિમાની કંપનીઓ તેમના પ્રવાસીઓને આ ફ્લાઈંગ હોટેલ સુધી લઈ જશે અને તેને હવામાં મનોરંજન કરાવશે. આ પ્લેનના મેઈન્ટેનન્સનું કામ પણ હવામાં જ થશે. પરમાણુ ઊર્જાથી ચાલનારી આ સ્કાય ક્રુઝ ભવિષ્ય હોઈ શકે છે. કેટલાય લોકો આની ટીકા પણ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે પરમાણુ ઊર્જાથી ચાલતું આ મહાકાય વિમાન ક્રેશ થશે ત્યારે એક આખા શહેરને ખતમ કરી નાંખશે. આ સિવાય ઘણા માને છે કે આવું સ્કાય ક્રુઝ બન્યું તો પણ તેમાં પ્રવાસ કરવો અત્યંત મોંઘો હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter