કાબૂલમાં આત્મઘાતી હુમલોઃ ૨૯નાં મોત, ૭૦થી વધુ ઈજાગ્રસ્ત

Friday 23rd June 2017 07:19 EDT
 
 

કાબૂલઃ આફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતનાં પાટનગર લશ્કરગાહની ન્યૂ કાબૂલ બેન્કની શાખા બહાર ત્રાસવાદીઓએ કારબોમ્બથી આત્મઘાતી હુમલો કરતાં ૨૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૬૬થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. સુરક્ષાકર્મીઓ પોતાનું વેતન લેવા માટે બેન્કમાં આવ્યા હતા ત્યારે બેન્ક બહાર જ વિસ્ફોટ થયો હતો. પ્રાંતીય ગવર્નર ઉમર જવાકના પ્રવક્તાએ ૨૩મીએ જણાવ્યું હતું કે, ત્રાસવાદીઓએ બેન્ક બહાર કારની મદદથી આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આંતરયુદ્ધ લડી રહેલા અફઘાનિસ્તાનમાં ૨૨મીએ થયેલા આ આત્મઘાતી હુમલામાં થયેલા ઈજાગ્રસ્તોમાં સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અફઘાન સુરક્ષાદળો તરત જ ઘટનાસ્થળે તૈનાત થઈ ગયાં હતાં.

ઘટનાની તપાસ શરૂ થઈ ચૂકી છે. ત્રાસવાદીઓએ બેન્કમાંથી વેતનનો ઉપાડ કરતા સુરક્ષાકર્મીઓ સામે અવરોધ સર્જવા બેન્કને નિશાન બનાવીને હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. બેન્ક સુરક્ષાગાર્ડે પણ તરત ગોળીબાર શરૂ કરી દીધો હતો. અફઘાનિસ્તાનમાં તાજેતરમાં એક પછી એક ત્રાસવાદી હુમલા થઈ રહ્યા છે. તાલિબાન સંગઠન આ હુમલાઓની જવાબદારી લેતું રહ્યું છે. આઈએસ સંગઠન પણ અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવી રહ્યું છે. લોગાર પ્રાંતમાં ૨૧મીએ એક મસ્જિદની અંદર ત્રાસવાદી હુમલો થયા પછી સ્થાનિક કાઉન્સિલના બે સભ્યો માર્યા ગયાની ઘટનાના બીજા દિવસે હવે હેલમંડ પ્રાંતનાં પાટનગરને ત્રાસવાદીઓએ નિશાન બનાવ્યું હતું. આતંકીઓએ ગન સાથે મસ્જિદમાં પ્રવેશીને નમાજ પઢી રહેલાં લોકો પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું.

હુમલાઓનો સિલસિલો

અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી કારબોમ્બની મદદથી થતા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ૩૧ મેના રોજ રાજધાની કાબૂલમાં થયેલા કારબોમ્બ વિસ્ફોટમાં ૮૦ લોકો માર્યા ગયાં હતાં અને ૩૫૦ લોકોને ઈજા પહોંચી હતી. જર્મન મિશન નજીક વિસ્ફોટ થયો હતો, તે અગાઉ ૮ માર્ચના રોજ કાબુલસ્થિત સૈન્ય હોસ્પિટલમાં તબીબોના વેશમાં ઘૂસેલા ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. છ કલાક ચાલેલી અથડામણમાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયાં હતાં. આઈએસે હુમલાની જવાબદારી લીધી હતી. વસંતઉત્સવની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં ૧૩ માર્ચે પણ એક બસમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter