કાબૂલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મૌલવીઓની એક સભા પાસે ચોથી જૂને આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકો માર્યા ગયા છે. આ સંખ્યામાં વધારો થવાની આશંકા છે. આ હુમલાના થોડાં સમય પહેલાં જ મૌલવીઓએ એક ફતવો આપ્યો હતો જેમાં આત્મઘાતી હુમલાને ‘હરામ’ ગણાવ્યો હતો.
કાબૂલ પોલીસે આ હુમલા અંગે જણાવ્યું કે, પ્રારંભિક માહિતી અનુસાર આ આત્મઘાતી હુમલો ત્યારે થયો છે જ્યારે મહેમાન સભા ગૃહમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ સભા સવારે અગિયાર કલાકની આસપાસ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે, કેટલાક લોકોના મોત થઈ છે જ્યારે કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હજી કેટલાં લોકો અહીં હાજર હતા તેના અંગે માહિતી મળી નથી. આ હુમલો સભાગૃહની બહાર જ થયો છે. તેમજ એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું છેકે તે આત્મઘાતી હુમલો હતો. અફઘાન ઉલેમા કાઉન્સિલે સોમવારે હુમલા પહેલા કાબૂલમાં આશરે ૩૦૦૦ કાઉન્સિલ સભ્યોના એક
સભામાં ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. કાઉન્સિલમાં મૌલવી, વિદ્ધાન અને ધર્મ અને કાયદા નિષ્ણાતોના લોકોએ ભાગ લીધો હતો.