કારમી ગરીબીમાં ઉછર્યા, જાતમહેનતે બિલિયોનેર બન્યા અને હવે આર્થિક છેતરપિંડીના કેસમાં આજીવન કેદ

એક સમયે રૂ. 4 લાખ કરોડની સંપત્તિના માલિક અને ચીનની એવરગ્રાન્ડે કંપનીના સ્થાપક હૂઈ યાનની હિન્દી ફિલ્મ જેવી કહાણી

Wednesday 26th August 2026 05:31 EDT
 
 

બેઇજિંગઃ ચીનની દિગ્ગજ રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેના સ્થાપક 67 વર્ષના હુઈ કા યાનને આજીવન કેદની સજા ફટકારાઈ છે. શેનઝેનની એક કોર્ટે તેમને નાણાકીય છેતરપિંડી સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. 2017માં યાન આશરે 4.02 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. હવે, તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ અપાયો છે.
આ સાથે જ એવરગ્રાન્ડે ગ્રૂપને પણ 12,443 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. 2020માં ચીની સરકારે ધિરાણના નિયમો કડક બનાવ્યા પછી એવરગ્રાન્ડે કટોકટીમાં ફસાઈ ગઈ અને તેની અસર ચીનના સમગ્ર પ્રોપર્ટી સેક્ટર પર થઈ હતી. ગરીબમાંથી બિલિયોનેર બનવા અને ત્યારબાદ જેલવાસ સુધીની યાનની વાર્તા રસપ્રદ છે.
1958માં જન્મેલા હૂઈ કા યાન આઠ મહિનાના હતા ત્યારે તેમના માતાનું મૃત્યુ થયું હતું. પિતા અને દાદીએ ઉછેર કર્યો. બાળપણ દારૂણ ગરીબીમાં વીત્યું. ભૂખ અસહ્ય બને ત્યારે ફૂગવાળી વાસી બ્રેડને સાફ કરીને ખાતા હતા. આ ગરીબી અને સંઘર્ષે યાનના દિલોદિમાગમાં ધનવાન બનવાની જિદ પેદા કરી હતી.
• નોકરી શોધવા 20 રિઝ્યુમ બનાવ્યાઃ 1992માં હૂઈએ ઘરથી દૂર શેનઝેનમાં નોકરી મેળવવા માટે 20 રિઝ્યુમ બનાવ્યા હતા. આ દરેક રિઝ્યુમ લગભગ 30 પાનાનું હતું. અનેક કંપનીઓના ચક્કર કાપ્યા પણ નોકરી ના જ મળી. અંતે એક મિત્રની સલાહથી પોતાનું રિઝ્યુમ ટૂંકાવીને બે પાનાનું બનાવ્યું અને પછી એક કંપનીમાં નોકરી મળી. તે સમય દરમિયાન તેમની પાસે રહેવા માટે ઘર નહોતું, તેથી તે ઓફિસના રસોડામાં જ રહેતા હતા. સેલ્સમેન તરીકેના પહેલા સોદામાં કંપનીને રૂ. 1.45 કરોડનો નફો કરાવ્યો હતો.
• લક્ઝુરિયસ યાટ, ૩ જેટ અને લંડનમાં સૌથી મોંઘી પ્રોપર્ટીઃ બિલિયોનેર બન્યા પછી હુઈ યાનની જીવનશૈલી અતિશય વૈભવી બની ગઈ હતી. તેમની પાસે 60 ફૂટની લક્ઝુરિયસ યાટ અને ત્રણ ખાનગી જેટ હતા. 2020માં તેમણે લંડનમાં આશરે રૂ. 1,900 કરોડમાં 45 રૂમ, 20 બેડરૂમવાળી હવેલી ખરીદી. તે સમયે તે લંડનની સૌથી મોંઘી મિલકતોમાંની એક હતી. દિવાલો, આંતરિક ભાગ અને સુશોભન વસ્તુઓને બારીક સોનાના ઢોળ ચડાવાયેલો હતો. તેમની હોટેલના રૂમનું તાપમાન 22 C રાખવામાં આવતું હતું.

કંપનીનું બિઝનેસ મોડેલ જ નડી ગયું

ગુજરાતીમાં કહેવત છે કે જે પોષતું તે મારતું. હૂઈ યાનના કિસ્સામાં પણ કંઇક આવું જ બન્યું હતું. જે એવરગ્રાન્ડે કંપનીના બિઝનેસ મોડેલે તેમને બિલિયોનેર બનાવ્યા હતા તે જ કંપનીએ આર્થિક કટોકટીમાં ધકેલી દીધા હતા. કંપનીનું બિઝનેસ મોડેલ વધુ પડતું દેવા આધારિત હતું. 1996માં એવરગ્રાન્ડેની સ્થાપના કરનારા હૂઈ યાને અનેક શહેરોમાં જંગી લોન લઈને મોટા પાયે જમીનો ખરીદી હતી અને રહેણાંક પ્રોજેક્ટ સાકાર કર્યા હતા. તેમણે 2009માં કંપનીનો આઇપીઓ લોન્ચ કર્યો અને 2017માં ચીનના સૌથી ધનિક વ્યક્તિ બન્યા અને એશિયાના સૌથી ધનાઢયનું બિરુદ મેળવ્યું.
જોકે, તેમનું બિઝનેસ મોડેલ વધુ પડતા દેવા પર આધારિત હતું, અને આ જ વાત તેમને નડી ગઇ. ચીનની સરકારે કલમના એક ઝાટકે નિયમોમાં ફેરફાર કર્યા અને રિઅલ એસ્ટેટ સેક્ટર માટે ધિરાણની આકરી શરતો લાદી દીધી. આ સાથે જ એવરગ્રાન્ડેના વળતાં પાણી શરૂ થયાં. રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેેનું સામ્રાજ્ય તૂટી પડયું. આશરે 28.72 લાખ કરોડ રૂપિયાના દેવા, ડિફોલ્ટ અને છેતરપિંડીના આરોપો સાથે હૂઈ કા યાનનું પતન થયું અને તેઓ આરોપીના કઠેડામાં પહોંચી ગયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter