વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.
ટ્રમ્પે ફરી એક વખત દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ તેમના હસ્તક્ષેપના કારણે ટળ્યું છે. તેમણે બંને દેશને વેપાર બંધ કરવાની ધમકી આપીને પરમાણુ યુદ્ધ રોકાવ્યું છે. આમ તેમણે વેપારનો ઉપયોગ કૂટનીતિક શસ્ત્ર તરીકે કર્યો છે. આ યુદ્ધને રોકવા બદલ તેમને પોતાના પર ગર્વ પણ છે. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે બંને દેશો સાથે વેપાર વધારવાની દિશામાં કામ કરીશું.
ટ્રમ્પે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મારા વહીવટી તંત્રે શનિવારે ભારત-પાક. વચ્ચે એક પૂર્ણ અને તત્કાલીન યુદ્ધવિરામ કરાવ્યો. મને લાગે છે કે આ કાયમી રહેશે. બંને દેશ પાસે ઘણા બધા પરમાણુ શસ્ત્રો છે અને આ એક ખતરનાક ટકરાવની સ્થિતિ હતી. અમે તેને રોકી.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત-પાક. વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. તેમણે જણાવ્યું હતું કે જો તમે બંને દેશ યુદ્ધ જારી રાખશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ અને જો યુદ્ધ બંધ કરશો તો અમે તમારી સાથે વેપાર કરીશું. અમારી આ ધમકી કે દબાણ કામ કરી ગયું. ટ્રમ્પે દાવો કર્યો કે કોઈએ કારોબારનો ઉપયોગ આ રીતે નહીં કર્યો હોય જેવી રીતે મેં કર્યો. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વર્ષે 100 બિલિયન ડોલરથી પણ વધુ રકમનો કારોબાર છે.
‘કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા ઉત્સુક’
આ પૂર્વે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે હજી મારે ચર્ચા નથી થઈ પણ કાશ્મીર મુદ્દો ઉકેલવા હું ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. બંને મહાન દેશો સાથે વેપાર વધારવા માટે મહત્વનાં પગલાં લઈ રહ્યો છું. હું આ બંને દેશો સાથે મળીને એવું કામ કરવા માંગું છું કે હજારો વર્ષથી વિવાદમાં રહેલા કાશ્મીર અંગે કોઈ સમાધાન કરી શકાય. પરમાત્મા ભારત અને પાકિસ્તાનનાં નેતૃત્વને સારી રીતે કરવામાં આવેલા કામ માટે આશીર્વાદ આપે.
ટ્રમ્પે સાથે સાથે લખ્યું કે મને ભારત અને પાક.નાં મજબૂત અને અડગ નેતૃત્વ માટે ગર્વ છે કારણ કે તેમની પાસે હાલ ચાલી રહેલા સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો છે તેવું સમજવાની શક્તિ, ધૈર્ય અને બુદ્ધિ છે. જો આ યુદ્ધની સ્થિતિ લાંબી ચાલી હોત તો લાખો નિર્દોષોનાં મોત થયા હોત અને તે વિનાશનું કારણ બન્યા હોત. આપની પરંપરાનો વારસો આપના બહાદુર કામને કારણે વધી ગયો છે. મને ગર્વ છે કે અમેરિકાએ આપને આ ઐતિહાસિક અને બહાદુર નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી છે.