ટોરોન્ટોઃ કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો સામે આવી છે તેના પરથી એવું લાગે છે કે બંનેએ પ્રેમસંબંધોનો સ્વીકાર કર્યો છે. એક યોટ પર ટ્રુડો અને કેટી ખૂબ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા છે. વાયરલ તસવીરોમાં શર્ટલેસ ટ્રુડો કેટી પેરીને કિસ કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડો પોતાની પ્રથમ પત્ની સોફીથી છૂટાછેડા લઈ ચુક્યા છે અને એ ત્રણ બાળકોના પિતા છે. જ્યારે કેટી પેરી પણ રસેલ બ્રાન્ડની સાથે બે વર્ષ સુધી લગ્નજીવનમાં રહ્યા પછી અલગ થઈ ગઈ છે. આ પછી કેટી પેરીનું સિંગર ઓરલેન્ડો બ્લૂમની સાથે પણ બ્રેકઅપ થયું હતું. કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોની આ તસવીરોની સાથે જ ડેટિંગની અફવાઓની પુષ્ટિ થઈ ગઈ છે. બંને કેલિફોર્નિયાના સાન્તા બાર્બરામાં એક યોટ પર જોવા મળ્યા છે. આ તસવીરોની સાથે કેટલાય મહિનાથી ચાલી રહેલી અફવા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
ટ્રુડો અને કેટ વચ્ચે વચ્ચે અંતર વધી ગયું હોવાના અહેવાલ પછી આ મુલાકાતના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે મોન્ટ્રિયલમાં પોતાની ડિનર ડેટ પછી ટ્રુડો મીડિયા એટેન્શનથી અન્કન્ફર્મટેબલ જોવા મળ્યા હતા. જોકે નવી તસવીરોથી કંઈક જુદા જ સંકેત મળે છે. બંને એકબીજા સાથે ખૂબ અનુકૂળ અને આનંદિત નજરે પડી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં કેટી પેરી કાળા રંગના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે અને બંને એકબીજાને ભેટી રહ્યા હોવાની તસવીરો સામે આવી રહી છે એમાં જસ્ટિન ટ્રુડો પેરીના ગાલ પર કિસ કરતા જોવા મળે છે.
એક બ્રિટિશ અખબારે એક સાક્ષીને ટાંકીને લખ્યું હતું કે તેમણે પોતાની યોટને એક નાના પબ્લિક પ્લેસ વ્હેલ-વોચિંગ હોડી પાસે રોકી અને ફરી બંને એકબીજાને ચુંબન કરવા માંડ્યા. મેં જ્યાં સુધી એ આદમીના હાથનું ટેટુ જોયું નહીં ત્યાં સુધી મને સમજાયું નહીં કે કેટી કોની સાથે છે, પરંતુ ટેટુ જોતાં જ મને સમજાઇ ગયું કે એ જસ્ટિન ટ્રુડો હતા.
ઉલ્લેખીય છે કે આ યુગલ પહેલીવાર આ વર્ષે જુલાઇમાં એક ડિનર ડેટ દરમિયાન સાથે જોવા મળ્યું હતું. ત્યાર પછી ટ્રુડો કેનેડામાં કેટી પેરીની ‘લાઇફટાઈમ્સ' ટૂરમાં જોવા મળ્યા હતા.