ઓટ્ટાવા / વોશિંગ્ટન: અમેરિકા-કેનેડા વચ્ચે ટેરિફ મામલે શરૂ થયેલી મંત્રણા અધવચ્ચે પડી ભાંગી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના નજીકના સહયોગી અને મિત્ર દેશ ગણાતા કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો છે. ત્રણ દિવસ ચાલેલી લાંબી મંત્રણા બાદ પણ બંને દેશો વચ્ચે સમજૂતી ન થતાં અમેરિકાએ 20 બિલિયન ડોલરથી વધુના કેનેડિયન સામાન પર 50 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દીધો છે. બીજી તરફ, કેનેડાએ વળતો જવાબ આપતાં આઠ સપ્ટેમ્બરથી અમેરિકા પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે અમેરિકાએ મંત્રણા દરમિયાન છેલ્લી ઘડીએ કરાર માટે નવી શરતો મૂકી હતી, જે કેનેડાને સ્વીકાર્ય નથી. તો અમેરિકાએ આક્ષેપ કર્યો હતો કે કેનેડા સરકારે છેલ્લી ઘડીએ ટ્રક ટેરિફમાં રાહત માંગી હતી. કેનેડામાં બનતા મીડિયમ અને હેવી ડયુટી વાહનો પર અમેરિકી ટેરિફ ઘટાડવાનાં મુદ્દે છેલ્લી ઘડીએ બંને દેશો વચ્ચે મડાંગાંઠ સર્જાતા ટ્રેડ ટોક ખોરવાઈ ગઈ હતી.
અહેવાલ અનુસાર, બન્ને દેશો વચ્ચે વેપાર કરારની આખરી રૂપરેખા તૈયાર હતી જેમાં ઓટો, સ્ટીલ, એલ્યુમિનિયમ અને લાકડું જેવી ચીજો પર અમેરિકી ટેરિફ ઓછી કરવાની હતી અને શુક્રવારે બંને દેશો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી હતી. જોકે મોટા વાહનો પર ટેરિફ મામલે બંને દેશો વચ્ચે અસંમતિ થતાં મંત્રણા પડી ભાગી હતી. કેનેડાએ મોટા વાહનો પર વધારાની રાહત માંગી હતી જે સ્વીકારવા અમેરિકાએ ઈનકાર કર્યો હતો. અમેરિકાએ કેનેડાની આ વધારાની રાહત માંગણી સમજૂતીનો હિસ્સો નહીં હોવાનું કહ્યું હતું.


