ટોરન્ટોઃ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના વડાએ ભારત સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. પોલીસ વડાએ કહ્યું કે તેમની પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ કેનેડામાં એવી કોઇ પ્રવૃત્તિ નથી થઈ રહી કે જેના તાર ભારત સાથે સંકળાયેલા હોય. એક મુલાકાતમાં માઈક ડુહેમને પુછાયું હતું કે તેમની એજન્સી ભારતના એજન્ટ્સ દ્વારા થઈ રહેલા કાર્યોથી ચિંતીત છે કે કેમ? જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘અમારી પાસે જે ફાઈલ્સ છે તેમાં આંતરરાષ્ટ્રીય દમનની વાત થયેલી છે. આ કિસ્સામાં કોઈ વિદેશી સત્તાની ભૂમિકા સામે નથી આવી. ચાલી રહેલી તપાસ અને ઉપલબ્ધ જાણકારી આધારે તેમ કહી શકાય તેમ છે.’
એક ચેનલને આપેલી મુલાકાતમાં ડુહેમને ભારપુર્વક પુછાયું હતું કે ભારતીય એજન્ટ્સ શું જાહેર સુરક્ષા માટે ખતરારૂપ છે? જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિદેશી હસ્તક્ષેપ કે આંતરરાષ્ટ્રીય દમન સંબંધી જે ફાઇલ્સ અમારી પાસે ઉપલબ્ધ છે અને જે જાણકારી છે તે મુજબ કેટલાક લોકો અન્યોને ડરાવી ધમકાવી રહ્યા છે. હેરાન કરી રહ્યા છે તે વાત સાચી, પરંતુ આ ઘટનાઓને કોઈ વિદેશી એજન્સી સાથે સાંકળતા કોઈ પુરાવા અમારી પાસે નથી.’ ડુહેમ આ પહેલાં કહી ચૂક્યા છે કે 2024માં તેમણે જે નિવેદન આપ્યું હતું તે એ સમયે ચાલી રહેલી તપાસ આધારિત હતું. તે સમયે મેં કહ્યું હતું કે ભારત સરકારના ઓજન્ટ્સ કે પ્રોક્સી સામેલ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય દમનના કેસમાં ઘણી વાર ખાસ વિદેશી એજન્સી સાથે સીધો સંબંધ પ્રસ્થાપિત કરવો ખુબ મુશ્કેલ હોય છે.
ભારત અને કેનેડા વચ્ચે થોડા સમયથી ચાલી રહેલી રાજદ્વારી તંગદીલી પછી કેનેડા પોલીસના વડાનું આ નિવેદન સામે આવ્યું છે. વર્ષ 2023માં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યા હતા કે કેનેડાના શીખ નેતા હરદિરસિંહ નિજજરની હત્યામાં ભારતીય એજન્ટ્સ સામેલ હતા. જોકે ભારત સરકારે તે આક્ષેપ ફગાવી દીધા હતા.


