નવી દિલ્હી: કેનેડા બિલ સી-3 દ્વારા તેના સિટિઝન એક્ટમાં મોટા ફેરબદલ કરશે. આ સુધારાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયનોને લાભ થવા સંભાવના છે. ઈમિગ્રેશન મંત્રાલયે જાહેર કરેલા બિલનો હેતુ સિસ્ટમમાં લાંબા સમયથી રહેલી વિસંગતીમાં સુધારો કરવાનો તેમજ કેનેડાના સિટિઝનશિપ સ્ટ્રક્ચરને આધુનિક, વૈશ્વિક ગતિશીલ પરિવારોની વાસ્તવિકતા સાથે સુસંગત કરવાનો છે.
ઈમિગ્રેશન મંત્રી લેના મેટલેગે ડિયાબના જણાવ્યા અનુસાર આ કાયદો ગેરવાજબી રીતે બાકાત રહી ગયેલાને નાગરિકતા પાછી આપવા ઉપરાંત કેનેડિયન નાગરિકત્વની પ્રમાણિકતા અને સમાવિષ્ટતા ફરી સ્થાપિત કરશે.
મુખ્ય સમસ્યા 2009માં રજૂ કરાયેલા પ્રથમ પેઢી મર્યાદામાંથી ઉદ્ભવી છે જેમાં કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લેવાયેલા બાળકોને એ જ શરતે નાગરિકતા મળતી જેમના માતા-પિતામાંથી કોઈ એકનો જન્મ કેનેડામાં થયો હોય અથવા તે ત્યાંના કેનેડિયન નાગરિક હોય. આ નિયમને કારણે અનેક લોકો ‘લોસ્ટ કેનેડિયન્સ’ તરીકે ઓળખાવા લાગ્યા. તેમના મતે તેઓ નાગરિક તો હતા પણ તેમને કાનૂનની માન્યતા નહોતી મળી. ડિસેમ્બર 2023માં ઓન્ટેરિયો સુપીરીયર કોર્ટે ચૂકાદો આપ્યો કે આ જોગવાઈ ગેરબંધારણીય છે. સરકારે ચુકાદાનો સ્વીકાર કર્યો અને તેની સામે અપીલ ન કરવાનો નિર્ણય કરીને ન્યાયપૂર્ણ અને વ્યવહારુ સિસ્ટમની જરૂર હોવાનું સ્વીકાર્યું છે.


