ઓટ્ટાવાઃ ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે વિઝા ફીમાં જંગી વધારો કરાયા પછી અમેરિકા જવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કેનેડાની માર્ક કાની સરકારે હજારો કુશળ કર્મચારીઓને નોકરીઓ આપવાની બજેટમાં જાહેરાત કરી છે. તેણે H-1B વિઝાધારકોને આવકારવા તૈયારી દર્શાવી છે. માર્ક કાની સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે ફાસ્ટ ટ્રેક રૂટ શરૂ કરાયો છે. આ માટે કુશળ કર્મચારીઓને આવકારવા બજેટમાં 1.7 બિલિયન કેનેડિયન ડોલરનું ફંડ રચાયું છે. કેનેડા સરકારે તક શોધીને ટોચના આંતરરાષ્ટ્રીય રિસર્ચર્સ તેમજ ઉચ્ચ લાયકાત અને તાલીમ પામેલા ટેકનિકલ કર્મચારીઓને આકર્ષવા મહત્ત્વની પહેલ કરી છે. 1,000થી વધારે કુશળ રિસર્ચર્સને કેનેડોમાં નોકરી અપાશે. બીજી તરફ, સ્ટડી વિઝા અરજી 50 ટકા ઘટાડાશે.
કેનેડા સરકારે જણાવ્યું છે કે રિસર્ચર્સની કાર્યદક્ષતા અમને વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધવા અને ભવિષ્યમાં અમારી ઇકોનોમીમાં યોગદાન આપવામાં મદદ કરશે. કાર્ની સરકારે વિદેશી કુશળ કર્મચારીઓને લલચાવવા તેના બજેટમાં લલચામણી મહત્ત્વની યોજના જાહેર કરી છે. અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં 70 ટકા ભારતીયો છે. કેનેડાની સરકારની જાહેરાત પછી નવી યોજનાથી ભારતનાં કુશળ કર્મચારીઓને લાભ મળી શકે છે.
કેનેડાએ કુશળ કર્મચારીઓને આકર્ષવા માટે H-1B વિઝાધારકો માટે એક એક્સલરેટેડ પાથવેની જાહેરાત કરી છે. કેનેડાએ તેની નવી ઇમિગ્રેશન પોલિસી હેઠળ 2026થી 2028 સુધી દર વર્ષે 3.80 લાખ કાયમી નિવાસી લાવવાની યોજના ઘડી છે. જોકે તે વિદેશી વિદ્યાર્થીઓ માટે એડમિશનમાં કાપ મૂકવાનું ચાલુ રાખશે. કેનેડા એક તરફ કુશળ ટેકનિકલ પ્રોફેશનલ્સને લલચાવવા કોશિ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ હંગામી નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરી રહ્યું છે.


