કેનેડાએ છ માસમાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કર્યા

(કેનેડા કોર્નર)

Wednesday 12th August 2026 06:29 EDT
 
 

ઓટ્ટાવા: કેનેડાએ ચાલુ વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. કેનેડામાંથી ભારતીયોને ડિપોર્ટ કરાયાનો છેલ્લા છ વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે. કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (સીબીએસએ)ના ડેટા મુજબ ચાલુ વર્ષે ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 2025ના આખા વર્ષમાં ડિપોર્ટ કરાયેલા 3,779 ભારતીયોના 88 ટકાએ પહોંચી છે. આ ડેટા એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડા ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને કામચલાઉ રહેવાસીઓની સંખ્યા ઘટાડી રહ્યું છે. તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ વિદેશી કામદારોનો સમાવેશ થાય છે. કેનેડા મહદ અંશે ભારતીયોને ડિપોર્ટ કરે છે, તેનું કારણ તેઓના દ્વારા ઇમિગ્રેશનના નિયમોનું કરાતું ઉલ્લંઘન છે. આ ઉપરાંત તે ભારતીયોના આશ્રયના કે નિરાશ્રિતના દાવા નકારે છે, તેની સાથે વિઝા ઓવરસ્ટેઝ અને વિઝા ફ્રોડ સ્કેમમાં પણ ભારતીયો હોવાથી તેમને પરત મોકલે છે.
2026ના પ્રથમ છ ભાગમાં ડિપોર્ટ કરાયેલાઓમાં ભારતીયો ટોચ પર છે તો છેલ્લા પાંચ વર્ષમાં થયેલા સરેરાશ ડિપોર્ટેશનમાં મેક્સિકો ટોચ પર છે અને ભારતીયો બીજા નંબરે છે. આ પહેલા ભારતીયોએ 2020માં ટોચના સ્થાને હતા, જ્યારે 1,424 ભારતીયોને કેનેડામાંથી ડિપોર્ટ કરાયા હતા. આ પછી 2021માં 603, 2022માં 786, 2023માં 1,1332 અને 2024માં 2004 ભારતીયોને ડિપોર્ટ કરાયા હોવાનું સીબીએસએના આંકડા જણાવે છે.

સીબીએસએ ડિપોર્ટેશન માટેના કારણો દર્શાવતો ડેટાબેઝ અલગ રાખ્યો છે, પરંતુ તેની પાસે કન્ટ્રીવાઇઝ બ્રેકઅપ નથી. ભારતીયો કેનેડાની રીમૂવલ ઇન્વેન્ટરીમાં પણ ટોચ પર છે, હજી પણ 7,669 લોકો ડિપોર્ટેશન પર તોળાઇ રહ્યાનું સીબીએસએના આંકડાએ જણાવ્યું છે. કેનેડાએ રિમૂવલ ઓર્ડર માટે ત્રણ બ્રોડ કેટેગરી રચી છે.
આ ડિપાર્ચર ઓર્ડર મુજબ આદેશ મળ્યાના 30 દિવસની અંદર વ્યક્તિએ સ્વૈચ્છિક ધોરણે કેનેડા છોડી દેવો જરૂરી હશે, જો તે આમ નહીં કરે તો તેનો ડિપોર્ટેશન ઓર્ડર ફાટશે. આ એકસ્લુઝન ઓર્ડર મુજબ વ્યક્તિ નિયત સમયગાળા સુધી કેનેડા પરત ફરી શકતી નથી. આ સમયગાળો એકથી લઈને પાંચ વર્ષ સુધીનો હોઈ શકે છે. તેના પર કાયમી ધોરણે રીએન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાય છે, સિવાય કે વ્યક્તિએ કેનેડિયન સરકાર પાસેથી મંજૂરી મેળવી હોય. ચાલુ વર્ષે અમેરિકાએ જાન્યુઆરીથી 22 જુલાઈ દરમિયાન 1,273 ભારતીયોને ઘરભેગા કર્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter