ટોરોન્ટોઃ કેનેડાના ભારતીય બહુલ બ્રેમ્પટન શહેરમાં દીવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ઓક્ટોબરમાં દીવાળીનો તહેવાર પસાર થયા પછી શહેર સત્તાવાળાઓને ફટાકડાના દુષણ અંગેની વ્યાપક ફરિયાદો મળી હતી જેના પગલે શહેર સત્તાવાળાઓએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરીને ફટાકડા ફોડવાન પર પ્રતિબંધ લાદી દીધો છે. કાઉન્સિલની મિટિંગમાં કાઉન્સિલર ડેનિસ કીનન અને ગુરપ્રીતસિંહ તૂર દ્વારા લવાયેલા ઠરાવને સ્વીકારી લેવાયો હતો.
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને જણાવ્યું હતું કે, અમને ફટાકડાના દુષણ અંગેની વ્યાપક ફરિયાદો મળી છે. 2022માં અમને ફટાકડાના વિરોધમાં 1491 ફરિયાદ પ્રાપ્ત થઇ છે જે 2018માં ફક્ત 492 હતી. તેમાંથી 1000 કરતાં વધુ ફરિયાદ તો અમને દીવાળીના તહેવારમાં મળી હતી.
હવે બ્રેમ્પટનમાં ફટાકડા ફોડનારાને 250થી 350 ડોલર અથવા તો કોર્ટ દ્વારા 500થી 5000 ડોલરનો દંડ થઇ શકશે. નવા કાયદા પ્રમાણે ફટાકડા ફોડવા, ખરીદવા અથવા સંગ્રહ અને વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. બ્રેમ્પટન શહેર સત્તાવાળા દ્વારા જનતામાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે 20,000 ડોલરની ફાળવણી કરાઇ છે.