ઓટ્ટાવાઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી વિઝા નીતિના કારણે સેંકડો ભારતીય-અમેરિકનો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે તેના પડોશી દેશ કેનેડાએ પણ ભારતીયોના વિરોધમાં મોટું પગલું લીધું છે. કેનેડામાં વર્ષ 2025માં રેકોર્ડ સંખ્યામાં વસાહતીઓની વર્ક પરમિટ ખતમ થઈ ગઈ છે અને 2029માં પણ આ સ્થિતિનું પુનરાવર્તન થવાનું છે, જેના પગલે કેનેડામાં નજીકના સમયમાં દસ્તાવેજ વિનાના અપ્રવાસીઓની સંખ્યામાં અસાધારણ વધારો થશે, તેમાંથી લગભગ 10 લાખ જેટલા વસાહતી ભારતીય હોવાની શક્યતા છે.
કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ (આઈઆરસીસી)ના ડેટા મુજબ વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 10.53 લાખ વર્ક પરમિટ ખતમ થઈ જશે. 2026માં 9.27 લાખ વર્ક પરમિટ ખતમ થવાની છે. એક રિપોર્ટ મુજબ વર્ક પરમિટ ખતમ થતાં જ આ મંજૂરી ધરાવતા લોકો કેનેડામાં ગેરકાયદે બની જાય તેમ છે. આ સ્થિતિમાં તેમના માટે કેનેડામાં રહેવાનો એક જ રસ્તો છે. તેમણે અન્ય કોઈ વિઝા લેવા પડે અથવા પીઆર (પરમેનન્ટ રેસિડન્સી) મેળવવા પડે. જોકે, કેનેડા સરકારે ઈમિગ્રેશન ઘટાડવાની નીતિ અપનાવી હોવાથી વર્ક પરમિટધારકો માટે આમાંથી કોઈપણ રસ્તો ઘણો જ મુશ્કેલ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને અસ્થાયી કામદાર સામેલ છે તેવી અસ્થાયી શ્રેણીમાં તે વધુ મુશ્કેલ બની જાય છે. આમ કેનેડામાં એકસાથે લાખોની સંખ્યામાં અપ્રવાસીઓ પર કાયદાકીય દરજ્જો ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે કેનેડામાં પરિસ્થિતિ ભયાનક રીતે અરાજક થવાની છે. ઈમિગ્રેશન સલાહકાર કંવર સેરાએ કહ્યું કે કેનેડાએ અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકોનું સ્ટેટસ ખતમ કરવાની સમસ્યાનો સામનો નથી કરવો પડ્યો. સેરાએ કહ્યું કે, વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકમાં જ વિક્રમી 3.15 લાખ લોકોના વિઝા ખતમ થઈ જશે. 2025ના અંતિમ ત્રિમાસિકમાં આ સંખ્યા 2.91 લાખ હતી. તેમણે કહ્યું કે, 2026ના મધ્ય સુધીમાં કેનેડામાં ઓછામાં ઓછા 20 લાખ અપ્રવાસી એવા હશે જેમની પાસે દસ્તાવેજ નહીં હોય. તેમાંથી ઓછામાં ઓછા અડધા ભારતીય હશે. ભારતીયનો આ આંકડો બહુ ઓછો આંકવામાં આવ્યો છે. હકીકતમાં આ સંખ્યા ઘણી વધુ પણ હોઈ શકે છે, કારણ કે હજારો સ્ટડી પરમિટ પણ ખતમ થઈ જશે અને કેનેડા સરકાર આગામી સમયમાં રાજ્યાશ્રયના દાવા પણ નકારી કાઢવાની છે.


