ટોરોન્ટોઃ ટ્રમ્પ સરકારે ઓગસ્ટના પહેલા પખવાડિયામાં જ અમેરિકાથી 5200થી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. ડિપોર્ટેશનની યાદીમાં H-1B, O-1 અને સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા ભારતીય ઉપરાંત પ્રોફેશનલ્સ પણ સામેલ હતા. હવે કેનેડા પણ અમેરિકાના પગલે છે. કેનેડામાં 1500 ભારતીય વિદ્યાર્થીઓ પર ડિપોર્ટેશનનું જોખમ તોળાઇ રહ્યું છે.
કેનેડાના અલ્બર્ટાની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ રદ્દ કરી છે. હવે ત્યાં અભ્યાસ કરતા લગભગ 1500 ભારતીય વિદ્યાર્થી પર ડિપોર્ટેશનનો ખતરો છે. વર્ક પરમિટ હોવાથી આ તમામ વિદ્યાર્થી સ્ટડી જોબ પ્રોગ્રામમાં સામેલ હતા. એટલે કે આ લોકો અભ્યાસ બાદ નોકરી પણ કરી રહ્યા હતા.
અલ્બર્ટાના આ વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો હતો. હાલ કેનેડા ઇમિગ્રેશન અનુસાર કેટલાક સમય સુધી આ વિદ્યાર્થી નોકરી કરી શકે છે. પરંતુ આ વિદ્યાર્થીઓના મતે કેનેડા સરકારે નોકરીની ખાતરી વધારવી જોઇએ. તેના માટે નવો કાયદો ઘડાય.
બીજી તરફ, કેનેડાના પીએમ માર્ક કાર્નીના મતે જે વિદ્યાર્થીઓ પાસે અહીં રહેવાના કાયદેસર વીઝા કે વર્ક પરમિટ નથી તેમને સ્વદેશ પરત જવું જ પડશે.
અલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે વધુ આકરું વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે સ્ટડી વીઝા અસ્થાયી દસ્તાવેજ છે. વિદેશી વિદ્યાર્થી આ આધાર પર કેનેડામાં હંમેશા રહી નહીં શકે. અમારી કોલેજ પહેલા અલ્બર્ટાના કરદાતાઓ માટે છે. અહીં ભણતા વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના દેશમાં પરત જવું પડશે. જ્યાં સુધી નિયમની વાત છે ત્યારે કેનેડા આવતા તમામ લોકોએ તેને માનવા પડશે.
ડિપોર્ટેશન ફ્લાઇટ્સથી ડિપોર્ટ... હ્યુમન રાઈટ્સ ફર્સ્ટ સંગઠન અનુસાર ભારતીયોને ઓમાની એરવેઝથી ડિપોર્ટ કરાઈ રહ્યા છે. ટેક્સાસના હાર્લિંગથી 20 કલાકની ફ્લાઈટથી નવી દિલ્હી મોકલાઈ રહ્યા છે. આ વર્ષે ડિપોર્ટેશન ફ્લાઇટ્સનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ગત વર્ષે અમેરિકાએ સૈન્ય વિમાન હરક્યૂલિસથી ડિપોર્ટ કર્યા હતા.


