ઓટ્ટાવા: કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ રવિવારે દેશમાં મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરી છે. કાર્નીએ ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું હતું કે દેશમાં આગામી 28 એપ્રિલના રોજ મધ્યસત્ર ચૂંટણી યોજાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લદાયેલા ટેરિફના કારણે અર્થતંત્ર સામે પેદા થયેલા ખતરાનો મુકાબલો કરવા માટે તેમને મજબૂત જનાદેશની જરૂર છે.
કેનેડામાં સામાન્ય ચૂંટણી આગામી 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી, પરંતુ કાર્નીને આશા છે કે વિવિધ પોલ્સમાં લિબરલ પાર્ટીના પ્રદર્શનમાં જોવા મળેલા નોંધપાત્ર સુધારાને કારણે તેઓને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સત્તા પર આવ્યા બાદથી જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને દબાણમાં આવેલા વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ રાજીનામું આપવું પડયું હતું. કાર્નીએ જણાવ્યું હતું કે, આપણે હાલ મોટા અને મહત્ત્વના સંકટનો સામનો કરી રહ્યા છીએ કારણ કે અમેરિકન પ્રમુખના ટ્રેડ પગલાઓ અને તેમના ખતરાને કારણે દેશના સાર્વભૌમત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે.
કેનેડાના ગવર્નર જનરલ અને કિંગ ચાર્લ્સના અંગત પ્રતિનિધિ દ્વારા વિનંતીને મંજૂર રખાયા બાદ કાર્નીએ જણાવ્યું હતું કે, કેનેડાને સુરક્ષિત કરવા માટે ઘણું બધું કરવાની જરૂર છે. કેનેડામાં રોકાણ માટે, કેનેડાના નિર્માણ માટે તેમજ દેશને એક રાખવા માટે ઘણું કરવું જરૂરી છે. તેથી જ હું મારા સહયોગી કેનેડાવાસીઓ પાસેથી મજબૂત જનાદેશની માગ કરી રહ્યો છું. મેં હાલમાં જ ગવર્નર જનરલને સંસદને ભંગ કરવાની અને દેશમાં આગામી 28 એપ્રિલે ચૂંટણી યોજવાની વિનંતી કરી હતી, જેનો તેમણે સ્વીકાર કર્યો છે.