કેનેડામાં PGP સ્પોન્સરશીપ અટકાવાઇ હવે માતાપિતાને પીઆર મળવું મુશ્કેલ

(કેનેડા કોર્નર)

Wednesday 22nd July 2026 07:20 EDT
 
 

ઓટાવાઃ કેનેડામાં વસવાટ કરતા અને PR (પરમેનન્ટ રેસિડન્ટ) સ્ટેટસ ધરાવતા હજારો ભારતીયો સહિતના લાખો વિદેશી વસાહતી માટે ચિંતાજનક સમાચાર છે. કેનેડા સરકારે PRનો દરજ્જો ધરાવતા વસાહતીઓ માટે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP)માં નવા અરજી ફોર્મ લેવાની પ્રક્રિયા પર હાલ પૂરતી અટકાવી દૃીધી છે. પરિણામે હવે કેનેડામાં વસવાટ કરતા વિદેશીઓના માતાપિતા પીઆર સ્ટેટસથી વંચિત રહેશે. દેશમાં વિઝા સંબંધિત કામગીરી સંભાળતા ઇમિગ્રેશન-રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) વિભાગના જણાવ્યા અનુસાર, આગામી આદેશ સુધી નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારાશે નહીં.
કેનેડાના આ ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામમાં હંમેશા ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા ઘણી વધારે રહેતી હોય છે. વર્ષ 2020 જ્યારે છેલ્લી વાર નવા ફોર્મ મંગાવાયા હતા, ત્યારે સરકારને રેકોર્ડબ્રેક 2,03,213 અરજી મળી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે તે જૂની અરજીઓમાંથી જ રેન્ડમલી (લોટરી સિસ્ટમ દ્વારા) ઉમેદવારોની પસંદગી કરાતી હતી. હાલમાં પણ આ પ્રોગ્રામ હેઠળ 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કામગીરી ઝડપથી ઉકેલવા અને દેશમાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી તેમજ જાહેર સુવિધાઓ પરનું દબાણ ઘટાડવા સરકારે નવી એન્ટ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલાથી જ પોતાની ફાઇલ સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ 2026 માં આ પ્રોગ્રામ હેઠળ 15,000 લોકોને કેનેડાના વિઝા આપવાનો લક્ષ્યાંક છે. કેનેડા સરકાર ઇમિગ્રન્ટ્સની સંખ્યા નિયંત્રિત કરવા માટે સતત કડક પગલાં લઈ રહી છે અને PGP પરનો આ પ્રતિબંધ પણ તે જ રણનીતિનો એક ભાગ મનાય છે.
નવા નિયમો બાદ જેઓ પોતાના પરિવારને કેનેડા બોલાવવા માંગે છે, તેમને સરકારે ‘સુપર વિઝા’નો વિકલ્પ પસંદ કરવા સલાહ આપી છે. સુપર વિઝાના નિયમો જોકે થોડા કડક છે. આ વિઝા હેઠળ માતા-પિતા કે દાદા-દાદી એકસાથે સળંગ 5 વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે. આ વિઝાની કુલ વેલિડિટી 10 વર્ષ સુધીની હોય છે. અરજદૃારે ફરજિયાતપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પડે છે. સાથે સાથે જ કેનેડામાં રહેતા સ્પોન્સરે તમામ આર્થિક જવાબદારી ઉઠાવવાની રહેશે અને મિનિમમ ઇન્કમની શરત પૂરી કરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter