ટોરોન્ટોઃ ભારતીય સમુદાય માટે બહુપ્રતિક્ષિત કેનેડાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, લિબરલ પાર્ટીના માર્ક કાર્ની વડા પ્રધાનપદે યથાવત્ રહેશે. 60 વર્ષીય કાર્નીએ સતત ચોથી વખત પાર્ટીને સત્તા ઉપર લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
કાર્નીએ ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે તેમની પાસે વૈશ્વિક આર્થિકસંકટનો સામનો કરવાનો અનુભવ છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોરનો મુકાબલો કરશે. ઉલ્લેખનીય છે કે કાર્ની આર્થિક બાબતોના જાણકાર છે. તેઓ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વડાપદે પણ રહી ચૂક્યા છે. કાર્નીનો જન્મ ઉત્તર કેનેડાના ફોર્ડ સ્મિથ ખાતે થયો હતો. તેઓ આ વિસ્તારમાંથી વડા પ્રધાન બનનારા પ્રથમ નેતા છે. કાર્નીએ હાવર્ડ અને ઓક્સફોર્ડ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ કેનેડાને ક્યારેય અમેરિકાનું 51મું રાજ્ય નહીં બનવા દે. નોંધનીય છે કે ટ્રમ્પે દાવો કર્યો હતો કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માગે છે.
જગમીતસિંહ ચૂંટણીમાં હાર્યા, એનડીપીનું નેતૃત્વ છોડ્યું
બીજી તરફ, કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી(એનડીપી)ના નેતા જગમીતસિંહ ચૂંટણી હારી ગયા છે. સાથે તેમના પક્ષે ભારે હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ તેમણે પક્ષના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના સમર્થકોને સંબોધિત કરતા તેમણે કહ્યું, ‘ન્યૂ ડેમોક્રેટ્સ માટે આ નિરાશાની રાત છે. આપણે ત્યારે હારીએ છીએ જ્યારે લડવાનું બંધ કરી દઈએ છીએ.’ એનડીપીનું કેનેડાની આ ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. કહેવાય છે કે પાર્ટીને આ વખતે માત્ર 8 બેઠકો મળી શકે તેમ છે.