ટોરોન્ટોઃ કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની ભારતીયોને વધુ વિઝા આપવા અને કેનેડામાં ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવાના સમર્થક છે. સર્વેના તારણ અનુસાર, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલિવરે પાછળ ચાલી રહ્યા છે.
કેનેડામાં ગત એક સપ્તાહથી ચાલેલા અર્લી વોટિંગમાં પોણા ત્રણ કરોડ વોટરોમાંથી અત્યાર સુધી લગભગ 75 લાખ વોટર મતદાન કરી ચૂક્યા છે. આ અર્લી વોટિંગનો રેકોર્ડ છે. કેનેડાની સંસદમાં 343 સીટો છે. બહુમતનો આંકડો 172 છે. સર્વે અનુસાર, લિબરલ એકલા હાથે બહુમત પ્રાપ્ત કરી લેશે.
ટ્રમ્પવિરોધી કાર્ની ડગલું આગળ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેનેડા પર ટેરિફ લાદવાને કાર્નીએ પોતાનો ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવ્યો છે. તત્કાલીન પીએમ ટ્રુડો દ્વારા જાન્યુઆરીમાં ચૂંટણી એલાન સમયે સત્તા ગુમાવવાના આરે ઊભેલી લિબરલ પાર્ટીને કાર્ની રેસમાં આગળ લઈ આવ્યા છે. સર્વે અનુસાર કાર્નીને 42.5 ટકા જ્યારે વિપક્ષી કન્ઝર્વેટિવના નેતા પોલિવરેને 38.7 ટકા વોટ મળવાની શક્યતા છે.
વિક્રમજનક 65 ભારતવંશી મેદાનમાં
કેનેડાની ચૂંટણીમાં આ વખતે રેકોર્ડ 65 ભારતવંશી મેદાનમાં છે. ગત ચૂંટણીમાં 49 ભારતવંશી મેદાનમાં હતા. કેનેડામાં 20 લાખ ભારતીયોમાંથી 8 લાખ વોટર છે. ગત ચૂંટણીમાં 25 સીટો જીતીને કિંગમેકર રહેલા ભારતીય મૂળના જગમીત સિંહની પાર્ટીને આ વખતે સરવેમાં 10થી ઓછી સીટો મળવાની શક્યતા છે.