ટોરોન્ટોઃ કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના છે. ઇમિગ્રેશન, સરળ વિઝા પ્રક્રિયા અને શિક્ષણ ભારતીયો માટે મુખ્ય મુદ્દા છે. સત્તાધારી લિબરલ્સ પાર્ટી અને વડાપ્રધાન કાર્નીએ સાથે મજબૂત સંબંધ, ઝડપી વિઝા પ્રોસેસ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કાર્યક્રમોને સમર્થન કર્યું છે, જે ભારતીયો માટે ફાયદાકારક છે. બ્રેમ્પટનના એક ઇમિગ્રેશન વકીલ રેહન સિંઘલા કહે છે કે કાર્નીએ હાલની ઇમિગ્રેશન નીતિને જારી રાખવાનો સંકેત આપ્યો છે, જે ભારતીયો માટે સારો છે.
લિબરલ પાર્ટી રેસમાં આગળ
જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન પદેથી 12 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યા બાદ સમીકરણો લદલાઇ ગયા છે. કાર્નીને લિબરલ પાર્ટી અને દેશનું નેતૃત્વ કરવાની તક મળી છે. તેઓ એક પૂર્વી કેન્દ્રીય બેન્કર છે અને કોઈ રાજકીય અનુભવ નથી, પરંતુ ટ્રમ્પના ટેરિફ વોરની વચ્ચે તેમણે જેવી રીતે મોરચો સંભાળ્યો છે તેનાથી 26 અંકથી પાછળ પડી રહેલી તેમની લિબલ પાર્ટી હવે 8 અંકથી આગળ આવી ગઇ છે.
બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પોઇલિવરે ટ્રમ્પ પ્રત્યે નરમ છે, જેનાથી તેમને નુકસાન થયું છે. કેનેડાની સંસદમાં કુલ 343 બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 172 બેઠકો જીતવી જરૂરી છે. ચૂંટણી સર્વેમાં દાવો કરાયો છે કે કાર્નીની પાર્ટીને 200 સીટ જીતવાની આશા છે.