કેનેડામાં પાર્કમાં પૂજા કરતા હિંદુ પરિવાર પર હુમલો

Wednesday 22nd September 2021 07:05 EDT
 

ઓટાવાઃ ૧૧મી સપ્ટેમ્બરે કેનેડાના મિસિસૌગા શહેરના સ્ટ્રીટ્સવિલ પાર્કમાં ૪૪ વર્ષીય હિંદુ પુરુષ તેમના પરિવાર સાથે નાની ધાર્મિક વિધિ કરી રહ્યા હતા ત્યારે બે ટીનેજરોએ ત્યાં પહોંચીને તેમને અપમાનજનક શબ્દો કહ્યા હતા. તેમણે તે પુરુષ પર હુમલો પણ કર્યો હતો અને તેમના પર પથ્થરો ફેંક્યા હતા. તે પુરુષ પોતાના પરિવાર સાથે કારમાં બેસીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તેઓ પાર્ક છોડી રહ્યા હતા ત્યારે પણ તે બે જણાએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો જેને લીધે કારને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને થયેલી ઈજા જીવલેણ નથી. તેમના પત્ની અને બે બાળકો આ ઘટનામાં સહી સલામત રહ્યા હતા. પીલ પોલીસ ચીફ નિશાન દુરાઈપાએ નિવેદન જારી કર્યું હતું કે કે વૈવિધ્ય અને સંસ્કૃતિ માટે જાણીતા પીલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રકારના હેટ ક્રાઈમ્સને સાંખી લેશે નહીં. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો ૧૬ અને ૧૮ વર્ષની વયના હતા. તેમાંનો એક હુમલાખોર શ્વેત અને બીજો એશિયન હોવાનું મનાય છે. પોલીસના જણાવ્યા મુજબ ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લ્યુઝન બ્યૂરોના સભ્યોએ તે પરિવારને સામાજિક મદદ સુનિશ્ચિત કરવા માટે રિએશ્યોરન્સ પ્રોટોકોલ  શરૂ કર્યો છે.
કેનેડામાં હિન્દુઓ પર હેટ ક્રાઈમની ઘટના આ પહેલી વખત બની નથી. ભારતમાં ખેડૂતોના વિરોધ દેખાવો પડી ભાંગ્યા તે પછી ખાસ કરીને કેનેડામાં હિંદુઓ પર હેટ ક્રાઈમની કેટલીક ઘટનાઓ બની હતી.  
તાજેતરમાં જ હિંદુફોબિક ગેંગના સુઆયોજીત પ્રયાસની સામે લડત માટે ગ્લોબલ હિંદુ ડાયસ્પોરા સંગઠિત થયો હતો. આ ગેંગ દ્વારા હિંદુ વિરોધી ડિસમેન્ટલિંગ
ગ્લોબલ હિંદુત્વ નામે હિંદુ વિરોધી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter