ઓટ્ટાવાઃ કેનેડામાં પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળમાં ખાલિસ્તાનીઓને વ્યાપક સમર્થન મળ્યું હતું, પરંતુ નવી માર્ક કાર્ની સરકારે ખાલિસ્તાનીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. કેનેડાની પીલ રિજનલ પોલીસે ‘પ્રોજેક્ટ પેલિકન’ હેઠળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કેનેડા પોલીસે અંદાજે 5 કરોડ ડોલર (આશરે રૂ. 400 કરોડ)ના 479 કિલો કોકેન સાથે 9 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી સાત ખાલિસ્તાની છે. કેનેડામાં યોજાનારી જી-7 શીખર સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પહોંચે તે પહેલાં જ કાર્ની સરકારની ખાલિસ્તાનીઓ વિરુદ્ધની આ કાર્યવાહી ખૂબ જ મહત્વની છે.
કેનેડાની પીલ રિજનલ પોલીસે પ્રોજેક્ટ પેલિકન હેઠળ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ અને આતંકી નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. આ નેટવર્કના તાર ખાલિસ્તાનીઓ, મેક્સિકન ડ્રગ કાર્ટેલ અને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે. કેનેડા પોલીસે ફેબ્રુઆરીથી મે 2025 વચ્ચે અનેક સ્થળો પર દરોડા પાડીને કુલ 479 કિલો બ્રિક્ડ કોકેન જપ્ત કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 4.79 કરોડ ડોલર (અંદાજે રૂ. 400 કરોડ) છે. આ સંદર્ભમાં નવ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી સાત ભારતીય મૂળના ખાલિસ્તાની સમર્થકો છે. આ ઓપરેશનમાં પોલીસે કેનેડામાં અત્યાર સુધીનું સૌથી મોટું 4.79 કરોડ ડોલરનું 479 કિલો કોકેન જપ્ત કર્યું છે. કેનેડા પોલીસે ધરપકડ કરેલા ભારતીય મૂળના લોકોમાં સજગિથ યોગેન્દ્રરાજા, મનપ્રીત સિંહ, ફિલિપ ટેપ, અરવિંદર પવાર, કરમજીત સિંહ, ગુરતેજ સિંહ, સરતાજ સિંહ, શિવ ઓમકાર સિંહનો સમાવેશ થાય છે. આ સિવાય હાઓ ટોમી અને ફિલિપ ટેપની પણ ધરપકડ કરાઈ છે.
પીલ રિજનલ પોલીસે જૂન ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની તપાસ શરૂ કરી હતી. તેમાં અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રકો મારફત કોકેનની દાણચોરી કરાતી હતી. નવેમ્બર સુધીમાં કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી અને અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનની મદદથી અનેક લોકો, ટ્રક કંપનીઓ અને સ્ટોરેજ સાઈટોની ઓળખ કરાઈ હતી. ફેબ્રુઆરી અને મે ૨૦૨૫ વચ્ચે અનેક મોટી જપ્તી કરાઈ હતી.