ઓટ્ટાવા: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સરકારે હાલ અમદાવાદની સાબરમતી જેલમાંથી ઓપરેટ કરતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું છે. રૂઢિચુસ્ત એનડીપી નેતાઓની માંગણી બાદ લેવામાં આવેલાં આ પગલાંને પરિણામે કોઈ પણ કેનેડિયન નાગરિક આ ગેંગને આર્થિક સહાય આપશે કે તેના માટે કામ કરશે તેને ગુનો ગણવામાં આવશે. કેનેડાની લિબરલ સરકારે જણાવ્યું હતું કે આ ગેંગ કેનેડામાં એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવે છે. આ ટોળકી હત્યા, ગોળીબાર અને આગ ચાંપવા જેવી ઘટનાઓમાં સંડોવાયેલી છે અને તે એક સમુદાયને ડરાવી ધમકાવી ખંડણી ઉઘરાવવાનું કામ પણ કરે છે. જેને કારણે આ સમુદાયના સભ્યોમાં અસલામતીનું વાતાવરણ ઊભું થયું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગને સામેલ કરવા સાથે કેનેડામાં ક્રિમિનલ કોડ હેઠળ હવે 88 આતંકી સંગઠનો સક્રિય છે.
આ યાદીમાં સામેલ કરવામાં આવેલાં આતંકી સંગઠનની કેનેડામાં આવેલી સંપત્તિ, વાહન અને નાણાં જપ્ત કરી કે સ્થગિત કરી શકાય છે. કેનેડાના કાયદા હેઠળ આવા સંગઠનો સામે આતંકી ગુનાઓની કાર્યવાહી કરવા એજન્સીઓને વધારે સત્તા મળે છે. જેમાં તેઓ તેમના નાણાં, પ્રવાસ અને ભરતી સંબંધિત ગુનાઓ સામે પણ કામ ચલાવી શકે છે. આ ક્રિમિનલ કોડનો ઉપયોગ ઈમિગ્રેશન અને સરહદી અધિકારીઓ દ્વારા કેનેડામાં પ્રવેશ આપવાના મામલે માપદંડ તરીકે કરવામાં આવે છે. જાહેર સલામતી વિભાગના પ્રધાન ગેરી આનંદસાંગારીએ જણાવ્યું હતું કે હિંસા અને આતંકને કેનેડામાં કોઈ સ્થાન નથી. જ્યારે કોઈ સમુદાયને ડર અને ધમકીના માહોલમાં જીવવાની ફરજ પાડવામાં આવે ત્યારે તો આ બાબત ચલાવી લઈ શકાય નહીં. કેનેડામાં દરેક વ્યક્તિને તેના ઘર અને સમુદાયમાં સલામતી અનુભવવાનો અધિકાર છે અને સરકાર તરીકે લોકોનું રક્ષણ કરવાની અમારી આ મૂળભૂત ફરજ છે.
કેનેડાની સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે બિશ્નોઈ ગેંગ ભારતમાંથી ઓપરેટ કરતી આંતરરાષ્ટ્રીય આતંકી ટોળકી છે. તેમની કેનેડામાં હાજરી છે અને તેઓ ભારતીય સમુદાયોના વિસ્તારમાં સક્રિય છે. લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે. ચંડીગઢના આ ભૂતપૂર્વ સ્ટુડન્ટ નેતા સામે પંજાબમાં સિધુ મૂસેવાલાની હત્યા અને મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યાના કેસો નોંધાયેલાં છે. તે જેલમાં રહી તેની ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું મનાય છે.


