કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું રહસ્યમત મોતઃ 3 મહિનામાં ચોથી ઘટના

Friday 27th June 2025 17:37 EDT
 
 

ઓટ્ટાવાઃ કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે.
દિલ્હીની તાન્યા ત્યાગી નામની વિદ્યાર્થિની કેલગરી યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ફૂડસેફ્ટી એન્ડ ક્વોલિટીનો અભ્યાસ કરતી હતી. ભારતમાંથી તેણે આઈટી વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. કેનેડાના સત્તાવાળાઓએ હજી સુધી ત્યાગીના રહસ્યમય મૃત્યુ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. જોકે સોશિયલ મીડિયા પર ચાલતી અનધિકૃત અટકળો અનુસાર, ત્યાગીનું નિધન 17 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી થયું હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડાના વિવિધ પ્રાંતમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના રહસ્યમય સંજોગમાં મોત નિપજવાની ઘટનાઓ બનવા પામી છે. આ અગાઉ ગત 4 એપ્રિલે ગુજરાતના ધર્મેશ કથિરીયા નામના 27 વર્ષના વિદ્યાર્થીની ઓન્ટારિયાના રોકલેન્ડ ખાતે ચાકુ મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. ત્યારબાદ એપ્રિલમાં જ ઓટાવામાંથી 21 વર્ષની વંશિકા સૈની નામની વિદ્યાર્થિની ગુમ થઈ ગઈ હતી. તેને મકાન ભાડે લેવાનું હોઈ તે જોવા માટે ગઈ હતી ત્યારબાદ તે રાત્રે તેનો ફોન બંધ થઈ ગયો હતો. ગુમ થયાના ચાર દિવસ બાદ ઓટાવાના એક સમુદ્ર કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના એક સપ્તાહ અગાઉ હેમિલ્ટનની મોહોક કોલેજમાં અભ્યાસ કરતી હરસિમરત રંધાવા નામની 21 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. હરસિમરત બસ સ્ટોપ પર ઉભી હતી ત્યારે બે લોકો વચ્ચે થયેલાં ગોળીબાર દરમિયાન એક ગોળી તેને વાગતાં તેનું મોત નિપજ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter