કેનેડામાં વધુ બે મંદિરોમાં તોડફોડ અને ચોરીથી ભક્તોમાં રોષ અને ચિંતા

Tuesday 15th February 2022 14:19 EST
 
 

ટોરન્ટોઃ કેનેડાના ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં ગયા સપ્તાહે વધુ બે મંદિરોમાં ચોરીની ઘટના બનતાં હિંદુ સમુદાયમાં તેમની સલામતીને મુદે ચિંતાનું મોજું પ્રવર્તી રહ્યું છે. તપાસ એજન્સીઓ દ્વારા થઇ રહેલી ધીમી તપાસથી પણ સમુદાય હતાશ છે. ગયા ગુરુવારે રાત્રે બ્રામ્પટોન ખાતે ભારત માતા મંદિરે ત્રાટકેલા તસ્કરો દાનપેટીમાં પડેલી રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. મંદિરના પૂજારી કેશવ કોઇરાલાએ જણાવ્યું હતું કે હિંદુ મંદિરો પર થઇ રહેલા હુમલા વધે તેવી શક્યતા છે અને તપાસકર્તાઓએ તેની યોગ્ય રીતે તપાસ કરવી જોઇએ.

ગત અઠવાડિયે મિસિસાગુઆ ખાતેના રામજી મંદિરને તોડીને પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સિક્યુરિટી એલાર્મ વાગતાં ચોર ભાગી ગયા હતા. આ અગાઉ જાન્યુઆરીમાં પણ મંદિરોમાં ચોરી અને લૂંટની અડધો ડઝન જેટલી ઘટના બની હતી. પીલ પ્રાદેશિક પોલીસ અને હેમિલ્ટન પોલીસ મંદિરોમાં ચોરીની ઘટનાઓની તપાસ કરી રહી છે. હિંદુ મંદિરોને નિશાન બનાવીને થતી ચોરીની ઘટનાઓ ૧૫ જાન્યુઆરીથી શરૂ થઇ હતી.
કેનેડાના ઇતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં ઘણાં મંદિરોને પહેલી વખત જ નિશાન બનાવાયા છે. હિંદુ હેરિટેજ સેન્ટર સાથે સંકળાયેલા અગ્રણી અને કેનેડિયન હિંદુ ચેમ્બર ઓફ કોમર્સના ઉપાધ્યક્ષ કુશાગ્ર શર્માએ જણાવ્યું હતું કે ઘણાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે તે બાબતે લોકોમાં ચિંતા પ્રવર્તી રહી છે. ગુનેગારો હજુ કેમ ઝડપાતા નથી તે બીજો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter