ટોરોન્ટો: કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
જે બે થિયેટર પર હુમલાના કિસ્સા સામે આવ્યા છે તેમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું હતું. તેથી આશંકા સેવાઈ રહી છે કે કેનેડામાં ભારતીય ફિલ્મોના સ્ક્રીનિંગને પ્રભાવિત કરવાના ઈરાદે હુમલા થઈ રહ્યા છે. આ હુમલા પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવા આશંકા સેવાઈ રહી છે.
એક અહેવાલ અનુસાર, ઓકવિલેના થિયેટરમાં 25 સપ્ટેમ્બરે આગજનીની ઘટના બની હતી. બે નકાબપોશ લોકોએ થિયેટરના મુખ્ય દરવાજા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતાં થિયેટરને નુકસાન પહોંચ્યું હતું. મોડી રાતે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હુમલો થયો ત્યારે થિયેટરમાં કોઈ નહોતું, તેથી કોઈને ઈજા પણ પહોંચી નહોતી.
એક સપ્તાહ પછી બીજી ઓક્ટોબરે એક શંકાસ્પદે ફિલ્મ થિયેટરના દરવાજા પર ગોળીબાર કર્યો હતો. પોલીસનું માનવું છે કે બંને ઘટના ખાસ ઇરાદાસર બની હતી. પોલીસ ઘટનાઓની તપાસ કરી રહી છે. થિયેટરના સીઇઓ કહી રહ્યા છે કે ભારતીય ફિલ્મોના સ્ક્રીનિંગ કરવા બદલ ભૂતકાળમાં પણ તેમના થિયેટર પર હુમલા થઈ ચૂક્યા છે.
આગજની અને ગોળીબારની આ બંને ઘટના પછી લોકો ભયભીત છે. વર્તમાન સ્થિતિ જોતાં થિયેટર માલિકોએ બે ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ રોકી દીધું છે. તેમણે કહ્યું કે દર્શકોની સુરક્ષા તે તેમની પ્રાથમિકતા છે. ભૂતકાળમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયા
અને ટોરોન્ટો ખાતે પણ ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ કરી રહેલા થિયેટર્સ નિશાન બની ચૂક્યા છે.