ઓટાવાઃ કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે. પટનાયકે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું છે કે, ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. કેનેડામાં ભારતના રાજદૂત હોવા છતાં તેમણે સતત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરવું પડે તે અજૂગતું લાગે છે. આ કેનેડાની સમસ્યા છે. કેટલાંક કેનેડિયન નાગરિકો છે જે આ સ્થિતિનું નિર્માણ કરી રહ્યાં છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓનું નામ લીધા વગર પટનાયકે જણાવ્યું હતું કે, અહીં અનેક સ્થળોએ કેટલાંક જૂથો ભારતીય મૂળના નાગરિકોને ધમકાવતા હોય તેવી ઘટનાઓ છાશવારે જોવા મળી રહી છે. કેનેડામાંથી ભારતીય નાગરિકોને જબરદસ્તીથી સ્વદેશ હાંકી કાઢવાના અહેવાલો વચ્ચે પટનાયકે આ ટિપ્પણી કરી હતી.


