કેનેડિયન લેખિકા એન કાર્સનને સાહિત્યનો નોબલ પુરસ્કાર

(કેનેડા કોર્નર)

Thursday 15th October 2026 12:35 EDT
 
 

સ્ટોકહોમઃ વર્ષ 2026ના સાહિત્યનાં નોબેલ પુરસ્કાર માટે કેનેડાનાં લેખિકા અને ક્વયિત્રી એન કાર્સનની પસંદગી કરવામાં આવી છે. નોબેલ સમિતિએ પ્રાચીન ગ્રીક-રોમન સાહિત્યને આજના જીવન, પ્રેમ, સંબંધો અને દુઃખ સાથે જોડતી તેમની અનોખી રચનાઓ માટે તેમને સન્માનિત કર્યા છે.
નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે કાર્સનની વિશેષતા એ છે કે તેઓ પ્રાચીન કથાઓને માત્ર ફરીથી રજૂ કરતાં નથી, પરંતુ તેમાં પોતાની કલ્પના અને આધુનિક જીવનની લાગણીઓનો ઉમેરો કરે છે. તેમની કૃતિઓમાં ઘણી વખત કવિતા, વાર્તા અને નિબંધ વચ્ચેની સીમાઓ ઓગળી જાય છે. આ કારણે તેમની લેખનશૈલી અન્ય લેખકોથી અલગ અને વિશિષ્ટ દેખાય છે.
કાર્સનનો જન્મ 1950માં ટોરોન્ટોમાં થયો હતો. તેમણે પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. 1981માં તેમણે આ જ વિષય પર પોતાનો ડોક્ટરલ થિસિસ પ્રકાશિત કર્યો હતો. કાર્સનની જાણીતી કૃતિઓમાં ‘ઓટોબાયોગ્રાફી ઓફ રેડ: એ નોવેલ ઈન વર્સ’નો પણ સમાવેશ થાય છે. 1998માં પ્રકાશિત આ પુસ્તક હજારો વર્ષ જૂની ગ્રીક કથા પર આધારિત છે. તેમાં ગેરિઓન નામના પાંખો ધરાવતા લાલ રાક્ષસની કથા છે. કાર્સને આ પ્રાચીન દંતકથાને એકદમ નવા સ્વરૂપમાં રજૂ કરી હતી. તેમની કથામાં ગેરિઓન માત્ર રાક્ષસ નથી, પરંતુ પોતાની માતાને પ્રેમ કરતો સંવેદનશીલ યુવાન છે. આ રીતે તેમણે પ્રાચીન ગ્રીક કથાને પ્રેમ, હિંસા અને સંબંધો જેવી માનવીય લાગણીઓ સાથે સાંકળી દીધી છે.
કાર્સન પ્રાચીન ગ્રીક સાહિત્યના અનુવાદ માટે પણ જાણીતાં છે. આ અનુવાદોનો તેમના પોતાના લેખન પર ઊંડો પ્રભાવ રહ્યો છે. તેમની રચનાઓમાં ઓપેરાનાં ગીતો, સાહિત્યિક વિવેચન અને 1998ની કાવ્ય-નવલકથા 'ઓટોબાયોગ્રાફી ઓફ રેડ'નો સમાવેશ થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter