કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ બેકાબૂઃ મૃત્યુઆંક ૧૭

Thursday 12th October 2017 08:18 EDT
 
 

સાંતા રોસાઃ યુએસના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ છે. આ આગમાં મૃતકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. હજારો લોકોએ પોતાના મકાનો ઘરો છોડીને આસપાસના વિસ્તારોમાં શરણ લીધી છે. સોનામા કાઉન્ટીમાં લગભગ ૧,૭૫,૦૦૦ વસ્તી ધરાવતા સાંતા રોસાના રહેવાસી જૈક ડિકસનના જણાવ્યા અનુસાર અનેક મકાનો બળીને ખાક થઇ ગયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયામાં લાગેલી આગને મોટી આફત જાહેર કરી છે. તેમણે પશ્ચિમી રાજ્યના જંગલોમાં ૧૭ સ્થળોએ લાગેલી આગને અંકુશમાં લેવા નાણાકીય સહિતની તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આ મુશ્કેલમાં સમયમાં તેઓ કેલિફોર્નિયાના લોકોની સાથે છે.

ગર્વનર જેરી બ્રાઉને આઠ કાઉન્ટીમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આગ બુઝાવવા માટે હજારો ફાયર ફાઇટરો તૈનાત કરવામાં આવ્યા છે. સોનોમા કાઉન્ટીમાં સૌથી વધુ લોકોના મોત થવાના સમાચાર છે. આ ભયાનક આગમાં અનેક લોકોના ઘરો બળીને ખાક થઇ ગયા છે. ૨૦ વર્ષ પહેલા મેક્સિકોથી અમેરિકા સ્થાયી થયેલા જોસ ગાર્નિકાનું મકાન પણ બળીને ખાક થઇ ગયું છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે અને તેમની પત્નીએ પોતાના જીવનની સમગ્ર કમાણી આ મકાન બનાવવામાં લગાવી દીધી હતી. તેમણે બે વર્ષમાં જ નવું એસી, સ્ટેનલેસ સ્ટીલના નવા સાધનો ખરીદ્યા હતાં. તેમણે મકાનનું ફલોરિંગ પણ બદલાવ્યું હતું. આ ઉપરાંત ૧.૫ મીટરનું નવું ટીવી પણ ખરીદ્યું હતું. આગ લાગવાને કારણે આ તમામ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગને કારણે અત્યાર સુધીમાં ૨૦૦૦ મકાનો અને અનેક દુકાનો બળીને ખાક થઇ ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter