બૈજિંગઃ ચીનમાં મોતનું તાંડવ ફેલાવનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. આ જીવલેણ વાઈરસ માનવજિંદગીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને પગલે ચીન, જાપાન, કોરિયા અને તેની આસપાસના તમામ પ્રાંતોમાં આવેલી મલ્ટિનેશનલ કંપનીઓ, ઉદ્યોગ ગૃહોએ પોતાનું ઉત્પાદન અટકાવી દીધું છે. કેટલીક કંપનીઓએ કર્મચારીઓને આંશિક પગાર સાથે તો અનેક કંપનીઓએ કર્મચારીઓને વગર પગારે રજા ઉપર ઉતારી દીધા છે. ખાસ તો ઓટો અને એવિયેશન સેક્ટરમાં સૌથી મોટા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જાણકારોના મતે ઓટો, એવિયેશન, એરપોર્ટ સર્વિસ અને મોબાઈલ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્લાન્ટ સહિતના યુનિટ બંધ કરાતાં વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડવાનો ખતરો તોળાઇ રહ્યો છે.
એક અહેવાલ અનુસાર, દુનિયાના સૌથી મોટા ઓટોમોબાઈલ પ્લાન્ટ દ્વારા પ્રોડક્શન બંધ કરીને સ્ટાફને રજા ઉપર ઉતારી દેવાયો છે. સાઉથ કોરિયામાં આવેલા હ્યુન્ડાઈના આ પ્લાન્ટમાં સ્પેરપાર્ટ્સની અછત તેમજ રોગને ફેલાતો અટકાવવાની તકેદારીને પગલે ૨૫,૦૦૦ કર્મચારીને રજા ઉપર ઉતારી દેવાયા છે. મહત્ત્વની વાત એ છે કે, આ પ્લાન્ટ દ્વારા વર્ષે ૧૪ લાખ વાહનોનું ઉત્પાદન અને સપ્લાય થાય છે. હ્યુન્ડાઈનો આ પ્લાન્ટ બંધ રહેવાથી રોજના ૧૦૦ મિલિયન ડોલરનું નુકસાન થઇ રહ્યાનો અંદાજ છે. આ તો માત્ર એક જ પ્લાન્ટનો આંકડો છે, આવા તો સેંકડો એકમો બંધ થઇ ગયા છે.
ઓટો સેક્ટરમાં ગાબડાંની શક્યતા
વાઈરસના ભયથી કિઆ મોટર્સે તેના ત્રણ પ્લાન્ટ સોમવારથી બંધ કર્યા છે. જ્યારે ફ્રાન્સની રેનો કંપની સાઉથ કોરિયાના બુસાનમાં આવેલા તેના પ્લાન્ટ બંધ કરવાની વિચારણા કરી રહી છે. ફિયાટ ક્રાઇસલરના સીઈઓ માઇક મેન્લીએ પણ કહ્યું હતું કે યુરોપમાં આવેલી અમારી ફેક્ટરીઓ પણ બંધ કરવાનો વારો આવશે. તે સિવાય નિસાન, જનરલ મોટર્સ, હોન્ડાના પણ ચીનમાં આવેલા પ્લાન્ટ જાન્યુઆરી મહિનાથી બંધ છે. વોક્સવેગનના ચીનમાં ૪૦ પ્લાન્ટ ધમધમે છે. તેમાં પણ કામ રોકવાની તૈયારીઓ છે.
બીજી તરફ એરબસ દ્વારા પણ પોતાની એરલાઈન્સના પ્રોડક્શન અને સપ્લાય બંધ કરાયા છે. હોંગકોંગ એરલાઈન્સ દ્વારા ૪૦૦ કર્મચારીઓની છટણી કરાઇ છે અને અન્ય કર્મચારીઓને પગાર વગર રજા ઉપર ઉતારી દેવાયા છે.
વાઈરસની માહિતી આપનાર ડોક્ટરનું નિધન
બીજી બાજુ, કોરોના વાઈરસના ચેપ વિશે દુનિયાને જણાવનારા ૩૪ વર્ષના લી વેનલિઆંગનું વુહાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. વ્યવસાયે ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટર એવા વેનલિઆંગે આ ચેપ વિશે ટ્વિટ કર્યા બાદ ચીનની સરકારે તેની સામે પગલાં લીધાં હતાં અને ક્રિમિનલ કેસ કરવાની ધમકી આપી હતી. સ્થાનિક લોકોએ આ ડોક્ટરને હીરો ગણાવ્યો હતો. તે ઉપરાંત ચીની સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
ભારતમાં તમામ એરપોર્ટ ઉપર થર્મલ સ્ક્રીનિંગ
ભારત સરકારે તકેદારીના પગલે ચીનના નાગરિકો અને ચીનથી આવતા તમામ પ્રવાસીઓના વિઝા રદ કર્યા છે. આ ઉપરાંત ભારતના તમામ એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનિંગ ફરજિયાત કરાયું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે થાઈલેન્ડ અને સિંગાપુરથી આવતી તમામ ફ્લાઈટને કોર્ડન કરીને આઈસોલેટ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ સંસદમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ચીનમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવ્યા છે. જોકે વુહાનમાં હજી ૮૦ વિદ્યાર્થી છે.
સમગ્ર વિશ્વમાં માસ્કની અછત: ‘હૂ’
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (‘હૂ’)એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ અને અન્ય ચેપથી બચાવતા માસ્કની સમગ્ર વિશ્વમાં અછત સર્જાઈ છે. તેના કારણે રોગ વકરવાની શક્યતા વધી ગઈ છે. દુનિયામાં હાલમાં સુરક્ષા ઉપકરણોની પણ તંગી વર્તાઈ રહી છે અને દવાઓ શોધવામાં પણ સમય જઈ રહ્યો છે જે ચિંતાનજક છે. ચીનમાં લોકો પાસે માસ્ક ન હોવાથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને માસ્ક બનાવીને પહેરી રહ્યા છે.
હોંગકોંગમાં ટોઇલેટ પેપરની અછત
કોરોના વાઈરસના કારણે ફેસ માસ્કની અછત બાદ હોંગકોંગમાં ટોઇલેટ પેપર રોલ્સની ભારે અછત ઊભી થઈ છે. હોંગકોંગની સુપર માર્કેટોમાં ટોઇલેટ પેપર્સના શેલ્ફ ખાલી જોવા મળી રહ્યાં છે. ટોઇલેટ પેપર સિવાય કોન્ડોમ અને ચોખાની પણ ભારે અછત છે.
ભારતીય ડોક્ટરના નેતૃત્વમાં કોરોના વાઈરસ ઉપર પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયામાં આ ચેપ સામે રસી બનાવવામાં ભારતીય મૂળના એક ડોક્ટરના નેતૃત્વમાં નિષ્ણાતોએ રિસર્ચ શરૂ કરી દીધું છે. આ લેબોરેટરીમાં કોરોના વાઈરસ ઉપર પ્રયોગો શરૂ કરી દેવાયા છે. પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ ૧૬ અઠવાડિયામાં પૂરા થાય એવી શક્યતા છે. આ પછી કોરોના વાઈરસના દર્દીઓ માટે રસી તૈયાર થવાની શક્યતા છે.
ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ની હાઈ સિક્યુરિટી લેબોરેટરીમાં ભારતીય મૂળના રિસર્ચર સહિતની એક ટીમે ચીનની બહાર નોવેલ કોરોના વાઈરસને તૈયાર કરવામાં સફળતા મેળવી છે અને હવે એના ઉપર પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ શરૂ કરાશે.


