કોરોના વિકરાળ બન્યોઃ દુનિયામાં પંજો પ્રસાર્યો

Thursday 26th November 2020 06:26 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ૨૪ જ કલાકમાં ૧,૮૭,૮૩૩ નવા કેસ અને ૯૨૭ મોત સાથે કોરોના ઘાતક બનતાં વિવિધ રાજ્યોમાં કડક નિયંત્રણો લદાયાં છે. માત્ર અમેરિકામાં જ નહીં, વિશ્વભરમાં કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયામાં ૫.૮૯ કરોડથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને ૧૩.૯૩ લાખ લોકોનાં મોત થયાં છે. ૪.૭૫ કરોડ લોકો કોરોનાના ચેપમાંથી સાજા થયા છે.
અમેરિકાની વાત કરીએ તો સંક્રમિતોનો આંકડો ૧.૨૫ કરોડથી વધુ થયો છે અને અત્યાર સુધીમાં ૨.૬૨ લાખ લોકોનાં જીવ ગયા છે. ઇરાનમાં પણ કોરોના વિકરાળ બન્યો છે રવિવારે ૧૩,૦૦૦ કરતાં વધારે નવા કેસ નોંધાયા હતાં અને ૫૭૫ લોકોનાં મોત નોંધાયા હતાં. ઇરાન-ચીન સહિત કેટલાક દેશો પાસેથી કોરોનાની રસી મેળવવા વાટાઘાટો કરી રહ્યું હોવાના અહેવાલો છે.
અમેરિકામાં કોરોનાના નવા વેવમાં ઘાતકતા વધી હોવાના કારણે રાજ્યોને પણ હવે કડક નિયંત્રણો મૂકવાની ફરજ પડી રહી છે. નેવાડાના ગવર્નર સ્ટિવ સિસોલેકે કેસિનો, રેસ્ટોરન્ટ્સ અને ખાનગી ગેધરિંગ પર કડક નિયંત્રણો મૂકી દીધા છે. રાજ્ય ટૂરિઝમ પર આધારિત હોવાના કારણે અત્યાર સુધી આવા નિયંત્રણોથી દૂર રહ્યું હતું. રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક ૧,૩૩,૮૮૮ પર પહોંચી ગયો છે. નેવાડા અને કેલિફોર્નિયાએ કરફ્યૂ લાદી દીધો છે. ઓરેગોન અને ન્યૂ મેક્સિકોએ પણ કડક પગલાં ભરવાના આદેશો કરી દીધા છે.
રશિયામાં પણ કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫,૧૭૩ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રશિયામાં સંક્રમિતોનો કુલ આંકડો ૨૧.૧૪ લાખ પહોંચી ગયો છે.
લેટિન અમેરિકન દેશ મેક્સિકોમાં કોરોના વાઇરસને કારણે મોતનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. પાછલા એક દિવસમાં દેશમાં ૭૧૯ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હાલમાં ૧ લાખ ૨૬ હજાર સંક્રમિતો છે. મેક્સિકોના સરકારી અધિકારીઓ જ કહે છે કે સંક્રમિતોની વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હોવી જોઈએ કેમ કે દેશના ઊંડાણના વિસ્તારોમાં હજુ પણ ટેસ્ટિંગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter