કોરોનાનો ખતરો ટાળવો છે? હેન્ડ શેક છોડો, નમસ્તે કરો

Thursday 05th March 2020 06:35 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વના ૫૭ દેશોમાં ભય ફેલાવનારા કોરોના વાઇરસના ભારતમાં પણ ૨૮ જેટલા કેસ નોંધાયા છે. દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને આગ્રામાં કોરોના વાયરસના કેસ મળતાં ૪ દેશોના વિઝા રદ કરાયા છે. દિલ્હીની હોસ્પિટલમાં કોરોના સામે લડવા તૈયારી છે અને દિલ્હીમાં બે સ્કૂલ પણ બંધ કરાઇ છે. એ પછી વિશ્વભરમાં એ વાત પ્રસરી છે કે શેક હેન્ડ કરવા કરતાં ભારતીય અભિવાદન નમસ્તે વધુ સલામત છે. અમદાવાદ મહાપાલિકાના કમિશનર વિજય નહેરાએ ચોથી માર્ચે ટ્વિટર પર અભિવાદન માટે ‘નમસ્તે’ કરવા ટિ્વટ કર્યું હતું. આ સાથે વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારે અભિવાદનની ઝુંબેશ શરૂ થઇ છે.

એક રિપોર્ટ અનુસાર હેન્ડશેક કરવાથી ૧૨૪ મિલિયન બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે જ્યારે નમસ્તેથી ઝીરો બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે.

ક્યાંક કિસ પર પ્રતિબંધ તો ક્યાંક પગથી અભિવાદન

કોરોનાના ફેલાવાના ભયે અનેક દેશોમાં ‘નો હેન્ડ શેક’ ઝુંબેશ ચાલી રહી છે અને કેટલાક દેશોની સરકારે આ મામલે ગાઇડલાઈન પણ જારી કરી દીધી છે.

ફ્રાન્સમાં કિસ કરતા પહેલાં સાવચેત રહેવાની સલાહ અપાઇ છે. હાથ મિલાવવાની પણ ના કહેવાઇ છે. એકબીજાની આંખમાં આંખ મિલાવીને અભિવાદન કરી શકાય છે. કોરોનાના ભયે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ પોતે બે હાથ જોડીને નમસ્તે કરતાં લોકોને પણ નમસ્તે કરવાની સલાહ આપી છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે નાગરિકોને નિર્દેશ આપ્યા છે કે, ચુંબન કરીને અભિવાદન ન કરો અને કોઇ પણ પીણું પીતી વખતે મેટલ સ્ટ્રો એકબીજા સાથે શેર ના કરો.

જર્મન પણ એકબીજા સાથે હાથ મિલાવતા નથી. જર્મનીના મિનિસ્ટર સિહોફરે અને ચાન્સેલર એન્જેલા મર્કલે હાથ જોડીને અભિવાદનની શરૂઆત કરી છે. સ્પેનમાં ઇસ્ટર નિમિત્તે લોકો પરંપરા પ્રમાણે વર્જિન મેરીને ચુંબન કરે છે. ઇસ્ટર સપ્તાહ શરૂ થયાના આશરે એક મહિના પહેલાં જ તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

રોમાનિયામાં સરકારે ગાઇડલાઇન જારી કરીને કહ્યું છે કે, લોકો એકબીજાને ફૂલ આપે, પણ ચુંબન ના કરે. ઇરાનમાં હાથ મિલાવવાના બદલે એકબીજા સાથે પગ થપથપાવીને અભિવાદન કરાય છે. ન્યૂ ઝીલેન્ડ, યુએઇમાં પ્રચલિત એકબીજા સાથે નાક લડાવવાની પરંપરા પણ અટકાવવાની સલાહ અપાઇ છે.

કોઇએ ગભરાવવાની જરૂર નથીઃ વડા પ્રધાન મોદી

ભારતના વડા પ્રધાન મોદીએ તાજેતરમાં કહ્યું છે કે, કોરોના વાયરસથી ગભરાવાની કોઇ જરૂર નથી. કોરોના સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરાઇ છે. આપણે સાથે મળીને કામ કરવાની અને બચાવ સુનિશ્ચિત કરવા મહત્ત્વપૂર્ણ ઉપાયની જરૂર છે.

ગરમી બચાવશે કોરોનાથી

ભારતીય આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ભારતની ગરમી અને લૂના કારણે આ વાઇરસ તબાહી નહીં મચાવી શકે. કોરોના વાઇરસ ઓછા તાપમાનમાં ફેલાય છે. આ જ કારણસર દક્ષિણ પૂર્વ એશિયામાં તે ઝડપીથી ફેલાયો છે. તે તમામ દેશ ભારતની સરખામણીમાં ઠંડા છે.

કોરોના સામે લડવા મેડિકલ ઇક્વિપમેન્ટની અછત સર્જાવાની સંભાવના

એક તરફ વિશ્વના દેશો કોરોના સામે સલામતીના પગલાં લઈ રહ્યા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ સામેની લડાઇમાં પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની વૈશ્વિક અછત સર્જાવા અને કિંમતો આસમાને પહોંચવાની ચેતવણી જારી કરી છે. સંસ્થાના અહેવાલ પ્રમાણે, સરકારો અને કંપનીઓને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં ૪૦ ટકા સુધીનો વધારો કરવા અપીલ કરાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યા પછી સર્જિકલ માસ્કની કિંમતોમાં છ ગણો વધારો થયો છે. એન ૯૫ રેસ્પિરેટર્સની કિંમત ૩ ગણી વધી છે.

પ્રોટેક્ટિવ ગાઉનની કિંમત બમણી થઇ ગઇ છે. વેન્ટિલેટરની કિંમત ૩ ગણી વધી છે. કોરોના વાઇરસના પ્રસારને જોતાં આરોગ્ય કર્મચારીઓને પ્રતિ માસ ૮૯ મિલિયન માસ્ક, ૭૬ મિલિયન ગ્લોવ્ઝ અને ૧.૬ મિલિયન જોડી ચશ્માંની જરૂર પડશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એ પણ જણાવ્યું કે, કોરોના સામે સંરક્ષણ માટેના ઇક્વિપમેન્ટની અછતમાં મોટો વધારો થઇ રહ્યો છે. બજારોમાં પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની અંધાધૂંધ ખરીદીના કારણે સ્ટોક ખલાસ થઇ રહ્યો છે. પર્સનલ પ્રોટેક્ટિવઇક્વિપમેન્ટના વૈશ્વિક સપ્લાય ખોરવાઇ જવાના કારણે કોરોના વાઇરસ સામે લડવાની દેશોની ક્ષમતા પર સવાલો ઊભા થઇ રહ્યા છે. પ્રોટેક્ટિવઇક્વિપમેન્ટની વધતી માગ, સંગ્રહાખોરી અને દુરુપયોગ ચિંતાજનક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter