કોલમ્બસ અમેરિકાનો શોધક નથીઃ 20,000 વર્ષ પહેલા જાપાનમાંથી લોકો અમેરિકા પહોંચ્યા હતા

અમેરિકામાં 10 સ્થળોએ મળેલાં પ્રાગૈતિહાસિક પથ્થરના ઓજારોએ કરેલો દિશાનિર્દેશ

Sunday 11th January 2026 05:30 EST
 
 

વોશિંગ્ટનઃ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ અથવા એમ કહેવાયું છે કે ભારતને શોધવા સ્પેનથી નીકળેલો મૂળ ઈટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસ આડા માર્ગે ફંટાઈ ગયો અને તેણે 1492માં બહામા ટાપુતટે પહોંચી અમેરિકાની શોધ કરી.
હવે યુએસએના 10 સ્થળોએ મળેલા પથ્થરના પ્રાગૈતિહાસિક ઓજારોના નવાં વિશ્લેષણ અનુસાર આશરે 20,000થી વધુ વર્ષ પહેલા જાપાનથી નીકળેલા લોકોએ અમેરિકાઝમાં સૌપ્રથમ પગ મૂક્યા હતા. અત્યાર સુધી સંશોધકોને થોડાં સંકેતો મળ્યા હતા કે આ સમયગાળામાં કેટલાક માનવો અમેરિકા ખંડ સુધી પહોંચ્યા હતા અને ન્યુ મેક્સિકોમાં આની પ્રાથમિક સાબિતીઓ આપતા પ્રાચીન પદચિહ્નો મળ્યાં હતાં.
જર્નલ ‘સાયન્સ એડવાન્સીસ’માં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર યુએસમાં ઓછામાં ઓછી 10 જાણીતી સાઈટ્સ પર 13,000થી 20,000 વર્ષ અગાઉ માનવીઓ વસતા હોવાના પુરાવાઓ મળ્યા છે. આમાંથી પાંચ સ્થળો તો વર્જિનિયા, ઈડાહો, પેન્સિલ્વેનિયા અને ટેક્સાસમાં છે, જ્યાં પૂરતાં પ્રમાણમાં પથ્થરના ઓજારો મળેલા છે જે ક્લોવિસ સંસ્કૃતિ પહેલા પણ અસ્તિત્વ ધરાવતી અમેરિકન અપર પેલીઓલિથિક (પ્રાચીન પાષાણયુગ) તરીકે ઓળખાવાયેલી ટેક્નોલોજિકલ ઈન્ડસ્ટ્રી હોવાનું સૂચવે છે. સંશોધકોએ આશરે 25,000 વર્ષ પહેલા નોર્થઈસ્ટ એશિયામાં રહેતા માનવજૂથના લોકો સૌપહેલા અમેરિકા પહોંચ્યા હોવાનું સૂચવતા અગાઉના જિનેટિક અભ્યાસોનો સહારો લીધો હતો. આ વિસ્તારોના પુરાતત્વીય રેકોર્ડ્સ ચકાસતા જણાયું કે બાઈફેસીસ (bifaces) કહેવાતા અમેરિકન અપર પેલીઓલિથિકના શિકારના શસ્ત્રો જાપાનના હોક્કાઈડો ટાપુ પરથી મળેલા શસ્ત્રો સાથે મળતા આવે છે.
સંશોધકો કહે છે કે અમેરિકામાં સૌપ્રથમ આશરે 20,000 વર્ષ પહેલા આવેલા લોકો જાપાનના હોક્કાઈડોના રહેવાસી જૂથના હતા. મહત્ત્વની અન્ય વાત એ પણ છે કે કેનેડા અથવા અલાસ્કાના સૌથી ઉત્તરના વિસ્તારોમાં પ્રાચીન પાષાણયુગના ઓજારો મળી આવ્યા નથી જે સૂચવે છે કે પ્રાગૈતિહાસિક એશિયનો કદાચ હોક્કાઈડોથી વહાણો દ્વારા બેરિન્જિઆ (Beringia)ની દક્ષિણ સમુદ્રકિનારે થઈ નોર્થ અમેરિકા પહોંચ્યા હશે.
કોલમ્બસની પાંચ સદી પહેલા જ અમેરિકીઓ યુરોપ પહોંચ્યા
કોલમ્બસે નવા શોધેલા અમેરિકન ઈન્ડિયન્સ- મૂળ વતનીઓને સ્પેનની શેરીઓમાં ફેરવ્યા ત્યારે તેણે વાસ્તવમાં પહેલી વખત મૂળ અમેરિકી વતનીઓને યુરોપ સમક્ષ રજૂ કર્યા ન હતા. આઈસલેન્ડિક ફેમિલીના જિનેટિક ઈતિહાસનો અભ્યાસ કરનારા વિજ્ઞાનીઓનો દાવો છે કે કોલમ્બસે બહામાના ટાપુ પર ઉતરાણ કર્યું તેની ઓછામાં ઓછી પાંચ સદી પહેલા જ અમેરિકી વતનીઓ યુરોપ પહોંચ્યા હતા. સંશોધકો અનુસાર અમે્રિકાઝથી આવેલી સ્ત્રી કદાચ 1000 વર્ષ પહેલા આઈસલેન્ડ પહોંચી હતી, જેના જનીનો આજે પણ 80 આઈસલેન્ડર્સમાં જોવાં મળે છે.
વિશ્વમાં સૌથી વિસ્તૃત જિન-મેપિંગ પ્રોગ્રામ્સમાં એકના ઘર આઈસલેન્ડના વતનીઓમાં થોડાં વર્ષો પહેલા આ જનીનો જોવાં મળ્યા ત્યારે શરૂઆતમાં એમ મનાયું કે આ જનીનો કદાચ એશિયાથી આવ્યા હોઈ શકે. જોકે, સેમ્પલ્સથી જાણવા મળ્યું કે એશિયન જનીનો આઈસલેન્ડર્સમાં જોવા મળ્યા તે પહેલાથી એટલે કે 18મી સદીની શરૂઆતથી આઈસલેન્ડમાં હતા. આ જનીનોનું મૂળ આશરે 1710માં આઈસલેન્ડની દક્ષિણે વાટનાજકૂલ (Vatnajˆkull) ગ્લેસિયર નજીકના રહેવાસી સામાન્ય પૂર્વજો સુધી પહોંચ્યું હતું. આ ટાપુ 10મી સદીથી અલગ પડી ગયો હોવાથી એમ માની શકાય કે આશરે વર્ષ 1000માં વાઈકિંગ્સ દ્વારા અમેરિકાથી અમેરિન્ડિયન સ્ત્રીને લવાઈ હશે અને આ જનીનો તેના થકી આગળ વધ્યા હશે. સ્કેન્ડેનેવિયન ગાથાઓ સૂચવે છે કે કોલમ્બસ 1492માં અમેરિકા પહોંચ્યો તેની સદીઓ પહેલા વાઈકિંગ્સે અમેરિકાની શોધ કરી હતી. સ્પેન‘સ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ દ્વારા જાહેર કરાયેલું જિનેટિક સંશોધન ‘અમેરિકન જર્નલ ઓફ ફીઝિકલ એન્થ્રોપોલોજી’માં પ્રકાશિત કરાયું હતું..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter