ક્રિપ્ટોના 30 વર્ષના સીઈઓ સેમ બેન્કમેને એક જ ટ્વિટમાં અબજો ડોલર ગુમાવ્યા

Wednesday 16th November 2022 08:50 EST
 
 

નવી દિલ્હી: બિલિયોનેર સેમ બેન્કમેન ફ્રાઇડ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ એફટીએક્સના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ છે. તેમને એક જ ટ્વિટે કંગાળ કરી દીધા છે અને તેમનું ક્રિપ્ટો સામ્રાજ્ય ધરાશાયી થઇ ગયું છે. તેમને 24 કલાકમાં 14.6 બિલિયન ડોલર (આશરે 1,167 બિલિયન રૂપિયા)ની ખોટ ગઈ છે. તો તેમની નેટવર્થમાં 94 ટકાનો કડાકો બોલી ગયો છે. આ પણ એક રેકોર્ડ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ કોઈ નાગરિકની સંપત્તિમાં માત્ર એક દિવસમાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ કડાકો નહોતો બોલ્યો ત્યાં સુધી બિલિયોનેર સેમની સરખામણી દિગ્ગજ ઇન્વેસ્ટર વોરન બફેટ સાથે થતી હતી, આજે સેમ લગભગ નાદારીના આરે પહોંચી ગયા છે.
સેમ બેન્કમેને ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે તેમના ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સને હરીફ બિનાન્સ દ્વારા ખરીદવામાં આવ્યું છે. ટ્વિટર પર ફ્રાઈડને એસબીએફ નામે ઓળખવામાં આવે છે.
ફ્રાઈડના આ એલાન પછી બિનાન્સના હેડ ચેંગપેંગ ઝાઓની પણ ટ્વિટ આવી. જેમાં તેમણે લખ્યું કે એફટીએક્સ રોકડની તકલીફોમાંથી પસાર થઈ રહ્યું હોવાથી તેને ખરીદવા માટે સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવી ચૂક્યા છે.
અહેવાલ મુજબ એફટીએક્સનું વેચાણ થયાના ખબર આવ્યા તે પહેલાં સેમ બેન્કમેન ફ્રાઇડની કુલ સંપત્તિ 15.2 બિલિયન ડોલર (1224 બિલિયન રૂપિયા) હતી, પણ એક જ ટ્વિટે તેમની સંપત્તિ 14.6 બિલિયન ડોલર ઘટાડી દીધી. બિલિયોનેર ફ્રાઇડ માટે આ બાબત કોઈ ઝાટકાથી ઓછી ન હતી. ઉલ્લેખનીય છે કે 1992માં જન્મેલ સેમ બેન્કમેન ફ્રાઈડ અમેરિકાના કેલિફોર્નિયામાં ભણ્યા હતા. તેમની મેથ્સ પર જબરજસ્ત પકડ હતી.
તેમણે મેસેચ્યુસેટ્સ ઓફ ટેકનોલોજીમાંથી ફિઝિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેના પછી ઘણી ટ્રેડિંગ ફર્મમાં કામ કર્યું હતું. ફ્રાઈડે 2017માં ક્રિપ્ટો કરન્સીના વિશ્વમાં પગલું મૂક્યું હતું. આ પહેલાં તેમણે વોલસ્ટ્રીટમાં બ્રોકર તરીકે પણ કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter