ઇરાન સંસદે હોર્મુઝ ખાડી બંધ કરવા નિર્ણય કર્યો છે ત્યારે એ સમજવું જરૂરી છે કે આ જળમાર્ગનું દુનિયા માટે કેટલું મહત્ત્વ છે. આ જળમાર્ગે ચીન 45 ટકા, ભારત 40 ટકા જ્યારે અમેરિકા માત્ર 7 ટકા ઓઇલ મગાવે છે. આ દરિયાઇ ક્ષેત્રમાં અશાંતિથી ભારતથી ઈરાન જનારો 1 લાખ ટન બાસમતી ચોખાનો જથ્થો નિકાસ અટકી ગઈ છે. બાસમતીના કન્ટેનર ભારતીય બંદરો પર છે.
• હોર્મુઝ ખાડી આટલી મહત્વપૂર્ણ કેમ છે?
હોર્મુઝ ખાડી પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. આ જળમાર્ગ ઈરાન અને ઓમાન-યુએઈ વચ્ચે છે. તેની લંબાઈ 167 કિમી છે. દરરોજ 1.7 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ પસાર થાય છે, જે વિશ્વના કુલ વપરાશના 20-30 ટકા છે. પર્સિયન ગલ્ફમાંથી નીકળતું 88 ટકા ફૂડ આ માર્ગેથી જાય છે.
• જો હોર્મુઝ ખાડી બંધ થશે તો શું થશે?
જો ઈરાન આ જળમાર્ગ બંધ કરી દે, તો ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે અને ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100-150 ડોલર સુધી પહોંચી શકે છે, જે હાલમાં 80 ડોલરની નજીક છે. ક્રૂડ ઓઇલમાં પ્રતિ 10 ડોલરના વધારાથી ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.55 ટકા વધી શકે છે અને ફુગાવો 0.3 ટકા વધી શકે છે. પેટ્રોલ-ડીઝલ, ઉડ્ડયન ઈંધણ, સીએનજી, પીએનજી, ટ્રેન—બસ-ટ્રક મુસાફરી વધુને વધુ મોંઘા બનશે. એક અહેવાલ મુજબ, ભારતનું લગભગ 40 ટકા ક્રૂડ ઓઈલ આ માર્ગ પરથી આવે છે.
• કયા દેશોને સૌથી વધુ અસર થશે?
ચીન હોર્મુઝમાંથી પસાર થતા ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર છે. તે તેની જરૂરિયાતનું 45 ટકા ક્રૂડ અહીંથી ખરીદે છે તો ભારત 40 ટકા જથ્થો ખરીદે છે, જર્મની 75 ટકા ક્રૂડ ઓઇલ અને દક્ષિણ કોરિયા 65 ટકા ક્રૂડ આ માર્ગ પરથી લઈ જાય છે.
• શું ઈરાન તેને બંધ કરી શકે છે?
કાયદેસર રીતે ઈરાનને હોર્મુઝ સમુદ્ર કોરિડોર બંધ કરવાનો અધિકાર નથી. તેને ફક્ત બળનો ઉપયોગ અથવા ધમકી દ્વારા જ રોકી શકાય છે. જો ઈરાની નૌકાદળ આવું કરવાનો પ્રયાસ કરે તો અમેરિકા કાર્યવાહી કરી શકે છે.