ખંડણી અને ગોળીબારના કેસમાં પાંચ ભારતીયોની ધરપકડ

(કેનેડા કોર્નર)

Friday 09th October 2026 12:38 EDT
 
 

ટોરોન્ટોઃ ખંડણી અને ગોળીબારના કેસમાં 16 મહિના લાંબી તપાસ પછી કેનેડા પોલીસે ભારતીય મૂળના પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આરોપીઓને બ્રિટિશ કોલંબિયાના લેંગલી વિસ્તારમાં કાર ડીલર્સ અને દક્ષિણ એશિયાઈ વેપારીઓને નિશાન બનાવીને મોટા પાયે ખંડણી ઉઘરાવવા, ગોળીબાર કરવા, આગજની ફેલાવવા, ગેરકાયદે હથિયારો રાખવા તેમજ ડ્રગ્સની દાણચોરી કરવા જેવા ગુનાહિત ષડયંત્રમાં સંડોવણીના આરોપસર કસ્ટડીમાં લેવાયા છે.
આરોપીઓમાં 23 વર્ષીય સંકેત સિંગલા ઉપરાંત સાહિલ, સિમરનજીત સિંહ, હર્ષ અને જગદીપ સિંહ સામેલ છે. સિંગલાની ધરપકડ ટોરોન્ટો એરપોર્ટ પરથી થઈ હતી, જ્યારે અન્ય ચારને સરેથી ઝડપી લેવાયા હતા. તપાસમાં સંકેત સિંગલાનું નામ ઉભર્યું ત્યારે તે ભારતમાં હતો. પછી કેનેડાના અધિકારીઓએ એક કાર્યવાહી પૂરી કરવા તેને કેનેડા બોલાવ્યો હતો. પહેલી ઓક્ટોબરે ટોરન્ટો એરપોર્ટ ખાતે ઉતરતાં જ તેની ધરપકડ કરાઇ હતી. તપાસ દરમિયાન પોલીસે ચાર બંદુક, કારતૂસો, મેગેઝિન સહિત કોકેઈન, ફેન્ટાનિલ તેમજ અફીણ જેવા કેફી દ્રવ્યો પણ જપ્ત કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ પુરાવા બ્રિટિશ કોલંબિયા અને આલ્બર્ટામાં બનેલી અન્ય હિંસક ઘટના સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આ કેસોમાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગની સંડોવણી છે કે નહિ તે અદાલતી કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ થશે. કેનેડા સરકારે સપ્ટેમ્બર 2025માં આ ગેન્ગને આતંકવાદી જૂથ તરીકે જાહેર કરી હતી. પોલીસ અધિકારીઓના મતે આરોપીઓ વેપારીઓમાં વધુ ભય ફેલાવીને મોટી રકમ પડાવવા માટે કુખ્યાત ગેન્ગના નામનો દુરુપયોગ કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter