અફઘાનિસ્તાનમાં તાલિબાન કટ્ટરવાદીઓના આગમનથી વિશ્વને શું ફરક પડશે?
દુનિયા પર અસર...
• સેન્ટ્રલ એશિયા અને ખાડી દેશ: તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં હિંસા ફેલાઈ શકે છે. અફઘાનિસ્તાન સાથે તેમનો વેપાર અટકી શકે છે. વળી, ત્યાં શરણાર્થીઓ પણ પહોંચશે. અગાઉ યુએઈ અને કતાર પણ તાલિબાનોની મહેમાનનવાજી કરી ચૂક્યા છે. હવે રશિયા અને અમેરિકા આ સંપર્કોનો લાભ ઉઠાવી શકે છે.
• ચીન: આ સમગ્ર માહોલનો સૌથી મોટો લાભ ઉઠાવવાની સ્થિતિમાં છે. અફઘાનિસ્તાન તેમના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવનું કોરિડોર છે. તાલિબાનોની મદદથી તે તેના પર મજબૂત પકડ ઈચ્છે છે, પરંતુ તાલિબાન હિંસા ચીનના શિનજિયાંગ પ્રાંત સુધી પહોંચી શકે છે.
• રશિયા: ચેચેન બળવાખોરો માટે અફઘાનિસ્તાન મોટું ગ્રાઉન્ડ સાબિત થશે. મધ્ય એશિયામાં ઉથલપાથલ થવાથી રશિયાના આર્થિક હિતો પર સીધી અસર થશે.
• પાકિસ્તાન: હાલ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં તેના આતંકીઓનું મોટું ટ્રેનિંગ ગ્રાઉન્ડ દેખાઇ રહ્યું છે. બસ આ જ ફાયદો છે. અફઘાનમાં હિંસાની આંચ અને શરણાર્થીઓની ભીડ બંને પાકિસ્તાને સહન કરવી પડશે.
• ઈરાન: તાલિબાનની સત્તા ઈરાન પણ નથી ઈચ્છતું કેમ કે તાલિબાનો સુન્ની છે. ફારસી ભાષાના દબદબાવાળા અફઘાની વિસ્તારોમાં ઈરાનની પકડ નબળી થશે. ઈરાન પણ તાલિબાન સાથે વાતચીત કરવા ઈચ્છે છે.
ભારત પર અસર...
• નુકસાન થયું છે પણ હાલ ખતરાથી બહારઃ અફઘાનમાં આપણે વ્યૂહાત્મક ગ્રાઉન્ડ ગુમાવ્યું છે પણ આ નુકસાન મોટા ખતરામાં થતું દેખાતું નથી કેમ કે અફઘાનના આતંકીઓને પાકિસ્તાન કાશ્મીર તરફ વાળવાની સ્થિતિમાં નથી. અમેરિકા પાકિસ્તાનને ભારત સાથે લડવા નહીં દે. ચીન પણ તેના કોરિડોરના ઈરાદાને પૂરો કરવા માટે ભારત-પાકિસ્તાન યુદ્ધને અટકાવશે.
તાલિબાની સરકાર સંચાલનની કોઈ રૂપરેખા જ નક્કી નથી
અફઘાનિસ્તાનમાં સોમવાર બાદ સત્તા તાલિબાનોની છે, પરંતુ સરકાર ચલાવવાનો તેમને અનુભવ નથી. કાબુલમાં સોમવારે તાલિબાની આતંકીઓ સરકારી ઓફિસોમાં ગયા. ત્યાં તેમણે અધિકારીઓને કામકાજ ચાલુ રાખવાનું કહ્યું. સરકારી ઓફિસો પર હવે તાલિબાની ઝંડા ફરકી રહ્યા છે, પરંતુ સુરક્ષા-નાણાં અને આરોગ્ય જેવા મોટા વિભાગ ચલાવવાની રૂપરેખા હજુ નક્કી નથી.