ટોક્યોઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે. જાપાનના ચિબા પ્રાંતના મિનામી-ફુનાબાશી રેલવે સ્ટેશન પર 69 વર્ષીય નોડા ઓફિસે જતાં મુસાફરોને સ્થાનિક મુદ્દાઓ, આપત્તિ વીમો અને બાળ સહાય જેવા વિષયો આધારિત પત્રિકાઓનું વિતરણ કરતા હતા. આ દરમિયાન સ્ટેશન પરથી પસાર થતાં ઘણા લોકો તો તેમને ઓળખી પણ શક્યા નહોતા અને સામાન્ય વ્યક્તિ સમજીને આગળ વધી ગયા હતા, જ્યારે ઓળખી જનારા કેટલાક લોકોએ આદરપૂર્વક નમીને તેમનું અભિવાદન કર્યું હતું. યોશિહિકો નોડા સપ્ટેમ્બર 2011થી ડિસેમ્બર 2012 સુધી જાપાનના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓ 40 વર્ષથી આ રીતે જનસંપર્ક કરે છે.


