ખામેનેઇ સુધી પહોંચવા ટ્રાફિક કેમેરા હેક કરાયા, અધિકારીના દાંતમાં ચિપ નખાઇ!

Saturday 14th March 2026 05:15 EDT
 
 

તેલ અવિવ: અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનેઇનું મોત નીપજ્યું છે, જોકે દેશના વડાની હત્યા કરવા એકદમ સાટેક હુમલો કેવી રીતે કરવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સામે આવ્યું છે કે ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે ખામેનેઇના લોકેશનને ટ્રેક કરવા ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો, ઈરાનના કમાન્ડર્સના દાંતોમાં જાસૂસી ચિપ પણ લગાવાઇ હતી.
ખામેનેઇના મોત બાદ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના ટીથ ફેયરી ઓપરેશનથી લઈને આઈઆરજીસીના ટોચના કમાન્ડરનો ઉપયોગ સહિતની તમામ થિયરી હાલ ચર્ચામાં છે. આ ટીથ ફેયરી થીયરી મુજબ મોસાદના એજન્ટ ડોક્ટર્સે ઈરાનમાં સૈન્યના ટોચના અધિકારીઓના દાંતમાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવી દીધી હતી. ખામેનેઈને મારવા માટે મોસાદના ઓપરેશન પર એક એક્સ યૂઝરે દાવો કર્યો હતો કે મોસાદના અન્ડરકવર એજન્ટ ડોક્ટર્સ અને ડેન્ટિસ્ટ બનીને ઇરાન પહોંચ્યા હતા, સારવાર દરમિયાન ઈરાનના અનેક વરીષ્ઠ સૈન્ય અધિકારીઓના દાંતમાં ટ્રેકિંગ ચિપા ઇમ્પ્લાન્ટ કરી દીધી હતી, આ અત્યંત સૂક્ષ્મ ચિપ હોય છે. જ્યારે સૈન્યના અધિકારીઓ રૂટિન ચેકઅપ કરાવતા હતા ત્યારે જ આ ચિપ ફિટ કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે જોકે આ અંગે સત્તાવાર કોઇ જ માહિતી જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર એ પણ દાવો થઇ રહ્યો છે કે ઈઝરાયેલે વર્ષોથી ઇરાનના ટ્રાફિક કેમેરા હેક કરી રાખ્યા હતા, જેમાં ખામેનેઈની અવરજવર પર નજર રાખવામાં આવી હતી. આ દાવાની બાદમાં અમેરિકાના મીડિયા દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી, ઈઝરાયેલના કેટલાક વર્તમાન અને પૂર્વ અધિકારીઓએ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ઈરાનની રાજધાની તેહરાનના લગભગ તમામ ટ્રાફિક કેમેરામાં વર્ષોથી કથિત રીતે છેડછાડ કરવામાં આવી ચુકી છે.
ફૂટેજને તેલ અવીવ અને દક્ષિણ ઇઝરાયેલ સુધી પહોંચાડવામાં આવતા હતા. ટોચના સુરક્ષા અધિકારીઓ પાતાના વાહન ક્યાં પાર્ક કરે છે તેની જાણકારી પણ આ હેક કરાયેલા કેમેરાથી મળતી હતી. અલગ અલગ થીયરીની હાલ ચર્ચા છે જોકે ખામેનેઈનું જ્યારે મોત નિપજ્યું ત્યારે તેઓ કોઈ બન્કરમાં છુપાયેલા નહોતા અને પોતાના ઘરે જ સૈન્યના અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter