એડમન્ટનઃ કેનેડાના અલ્બર્ટા પ્રાંતના એડમન્ટનમાં અલગ ખાલિસ્તાનને મામલે કહેવાતા રેફરન્ડમના આયોજનના અહેવાલો સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત તમામ દેશવિરોધી પ્રવૃત્તિઓની સખત નિંદા કરે છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં કોઈ દેશ કે સંગઠનનું નામ લીધું નહોતું.
મીડિયા અહેવાલો અનુસાર, પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી સંગઠન તરીકે ઓળખાતા શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા 18 ઓક્ટોબરે એડમન્ટનમાં કહેવાતું ‘ખાલિસ્તાન રેફરન્ડમ’ યોજવાની યોજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આયોજન અલ્બર્ટામાં 19 ઓક્ટોબરે થનારા મતદાનના એક દિવસ પહેલાં થવાની ચર્ચા છે. આ મતદાનમાં પ્રાંત કેનેડામાં જ રહે કે અલગ થવાની દિશામાં આગળ વધે તે અંગેનો પ્રશ્ન સામેલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
પત્રકારોએ ભારતવિરોધી એજન્ડા અને બંને ઘટનાઓ વચ્ચે સરખામણી કરવાના પ્રયાસ અંગે પ્રશ્ન પૂછતાં જયસ્વાલે કહ્યું કે ભારત આવી તમામ પ્રવૃત્તિઓની નિંદા કરે છે. ભારત અગાઉ પણ કેનેડા સરકારને ત્યાં કાર્યરત વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા થતી ભારતવિરોધી પ્રવૃત્તિઓ રોકવા અપીલ કરી ચૂક્યું છે. શીખ્સ ફોર જસ્ટિસ દ્વારા 2022માં મિસિસોગા અને બ્રેમ્પ્ટનમાં પણ આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


