ખાલિસ્તાની કટ્ટરવાદીઓ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની કાર્યવાહી

Tuesday 21st March 2023 06:48 EDT
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પોલીસે મેલબોર્નમાં 29 જાન્યુઆરીની હિંસક ઘટના સંદર્ભે ખાલિસ્તાની સમર્થકોની તસવીરો જારી કરી છે. પોલીસે છ વ્યક્તિઓને ઓળખવા લોકોને અપીલ કરી છે.પોલીસે આ દિવસે બે વ્યક્તિની ધરપકડ કરી હતી. બાકીના લોકોને ઓળખવા પૂછપરછ શરૂ થઈ છે. તપાસકારોએ તેમની તપાસમાં મદદ કરી શકે તેમ માનીને છ પુરુષોની ઈમેજ જાહેર કરી છે.

જાન્યુઆરીની 29મી તારીખે ‘શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)’ દ્વારા આયોજિત ‘ખાલિસ્તાન ઈન્ડિપેન્ડન્સ’ રેફરન્ડમ માટે મતદાન દરમિયાન ફેડરેશન સ્ક્વેર ખાતે હુમલો કરાયો હતો. ખાલિસ્તાનતરફી જૂથોના માણસોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ફરતા ભારતીયો પર હુમલા કર્યા હતા. ભારતીય જૂથ ઘટનાસ્થળેથી નાસી જતું દેખાતું હતું જ્યારે ખાલિસ્તાન જૂથે તેમને મારવાનું ચાલુ રાખ્યું હતું. ઘણા માણસોએ ધ્વજની લાકડીઓનો ઉપયોગ શસ્ત્રો તરીકે કર્યો હતો. સંખ્યાબંદ લોકોને ઈજા પહોંચી હતી.

આ મહિને નવી દિલ્હીની મુલાકાતે ગયેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ ધાર્મિક ઈમારતોમાં હુમલાઓને સાંખી લેશે નહિ અને હિન્દુ મંદિરો પરના હુમલાઓને કોઈ સ્થાન નથી. 2023ના આરંભથી ખાલિસ્તાની તત્વોએ હિન્દુ મંદિરો પર વિવિધ પ્રકારે હુમલા કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter