ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા

કેનેડા કોર્નર

Friday 08th May 2026 10:03 EDT
 
 

નવી દિલ્હીઃ કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસીસ (CSIS)એ પબ્લિક રિપોર્ટ 2025માં ભારતને એવા દેશોની યાદીમાં મૂક્યું છે કે જે કેનેડાની ધરતી પર વિદેશી દખલઅંદાજી તથા જાસૂસી પ્રવૃત્તિમાં સામેલ છે. નોંધનીય છે કે કેનેડાએ ભારતને ચીન, રશિયા, ઈરાન અને પાકિસ્તાનની સાથે દખલઅંદાજી કરનારા મુખ્ય દેશોની યાદીમાં રાખ્યું છે. ગુપ્તચર એજન્સીએ રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ખાલિસ્તાની કટ્ટરવાદીઓનું જૂથ દેશમાં પોતાના હિંસક અને કટ્ટરવાદી એજન્ડાને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક સંગઠનોનો ઉપયોગ કરી રહ્યું છે.
બે વિભાગના રિપોર્ટમાં વિરોધાભાસ
નોંધપાત્ર બાબત એ છે કે CSISનો રિપોર્ટ એવા સમયે જ આવ્યો છે કે જ્યારે કેનેડાની પોલીસનું વલણ થોડું અલગ છે. થોડા સમય પહેલાં જ માર્ચમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના કમિશનર માઇક ડુહેમે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તપાસમાં એવા કોઇપણ પુરાવા પ્રાપ્ત થયાં નથી કે જે ભારત સરકારના એજન્ટો અને કોઈ ગુપ્તચર કે હિંસક ઘટના સાથે જોડતાં હોય.

બિશ્નોઈ ગેંગને આતંકવાદી જાહેર
CSISના આ રિપોર્ટનો એક અત્યંત મહત્વનો ભાગ એ છે કે તે ક્રિમિનલ કોડ હેઠળ નવા આતંકવાદી સંગઠનોને લિસ્ટ પણ કરે છે. આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2025માં 12 નવા સંગઠનોને આતંકવાદી સંગઠન તરીકે યાદીમાં ઊમેરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય અપરાધ સંગઠનોની યાદીમાં ભારતની કુખ્યાત બિશ્નોઈ ગેંગનું નામ પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter