ખાલિસ્તાનીઓ બેફામઃ ઓટ્ટાવામાં ભારતવિરોધી સૂત્રોચ્ચાર, તિરંગો ફાડ્યો

Friday 05th December 2025 11:28 EST
 
 

ઓટ્ટાવાઃ કેનેડાના ઓટ્ટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરાયું હતું. આ ભારતવિરોધી કાર્યક્રમમાં સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનો પણ સંગઠને દાવો કર્યો હતો.
ઓટ્ટાવાના મેકબેન કોમ્યુનિટી સેન્ટર પર આ જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ભાગ લેવા કેનેડાના વિવિધ પ્રાંતો જેમ કે ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યૂબેકના 50 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારત દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિ બદલ આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સંગઠને દાવો કર્યો હતો કે બાળકોથી લઇને વૃદ્ધો સહિત તમામ લોકો સમર્થનમાં આવ્યા હતા. ત્રણ વાગ્યા બાદ પણ લોકો લાઇનોમાં ઉભા હતા તેથી વોટિંગ શરૂ રાખવું પડયું હતું.
અલ્બર્ટા સ્થિત ડિજિટલ મીડિયા બેઝિર્ગનના જણાવ્યા મુજબ મતદાન સ્થળની આસપાસ પણ ભારે ભીડ જમા થઇ ગઇ હતી. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં આ સ્થળે હાજર કેટલાક લોકો ભારતવિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. ભારત દ્વારા આતંકી જાહેર કરાયેલ ગુરપતવંતસિંહ પન્નૂએ સેટેલાઇટ સંદેશો મોકલીને લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.
મતદાન પ્રક્રિયાના અંતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય ધ્વજનું અપમાન કરાયું હતું જે ઘટના પણ વીડિયોમાં કેદ થઇ ગઇ હતી. તાજેતરમાં સાઉથ આફ્રિકામાં જી-20 નેતાઓના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન સાથે મુલાકાત શા માટે કરી તેવો સવાલ પણ આ સંગઠને ઉઠાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter