ટોરોન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ભારતવિરોધી પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી. તાજી ઘટના બ્રેમ્પટનની છે. અહીં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય રાજદૂત દિનેશ પટનાયકના કાફલાને નિશાન બનાવ્યો હતો.
ખાલિસ્તાની સમર્થકોએ જાહેરમાં ગુંડાગર્દી કરતાં રાજદૂત દિનેશ પટનાયકના કાફલાને રોક્યો હતો અને તેની સામે જ ભારતીય ધ્વજ ફાડી નાંખ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કેનેડાની પોલીસ મૂકદર્શક બની રહી હતી. આ ઘટના 26 મેના રોજ બ્રેમ્પ્ટન સ્થિત પિયર્સન કન્વેશન સેન્ટરમાં બની હતી. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ખાલિસ્તાની રેફરેન્ડમના ઝંડા અને બેનર લીધેલા ખાલિસ્તાની સમર્થકો કાળા રંગની એસયુવીમાં જઈ રહેલા ભારતીય દૂતના કાફલાના બિલકુલ નજીક આવી ગયા હતા. દેખાવકારોએ ઉગ્ર નારેબાજી કરતા ગાડીઓને ઘેરવાનો અને તેને આગળ વધતી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. સુરક્ષામાં ચૂકની હદ તો ત્યારે થઇ ગઇ હતી જ્યારે ખાલિસ્તાન સમર્થક એક સમૂહના કાર્યકરોએ સરેઆમ ભારતીય રાષ્ટ્રધ્વજને ફાડી નાખ્યો હતો. રસ્તાના કિનારે પણ ધ્વજનો એક ટુકડો પડેલો જોવા મળતો હતો. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ભારત-કેનેડા વચ્ચે વ્યાપાર મંત્રણા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ કેનેડાના પ્રવાસે છે.
આ ઘટના સમયે સ્થાનિક કેનેડિયન પોલીસના ઘણા અધિકારી હાજર હતા. દેખાવકારો તિરંગાનું અપમાન કરી રહ્યા હતા અને રાજદૂતના કાફલા સામે અવરોધ ઉત્પન્ન કરી રહ્યા હતા આમ છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી કે કોઇની ધરપકડ પણ કરી ન હતી. કેનેડિયન વહીવટી તંત્રની આ બેદરકારીથી ફરી એક વખત ભારતીય રાજદૂતોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ સર્જયા છે.


