ઓટ્ટાવાઃ કેનેડાના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં સક્રિય ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને કેનેડામાંથી ભંડોળ મળી રહ્યું છે. આ ગ્રૂપ ભારતમાં રાજકીય હેતુઓ માટે હિંસા ફેલાવવા માટે પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન જેવા સંગઠનોને ‘પોલિટિકલી મોટિવેટેડ વાયોલન્ટ એક્સટ્રીમિઝમ' (પીએમવીઈ)ની શ્રેણીમાં મૂકાયા છે. આ રિપોર્ટ ‘2025 એસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઈનાન્સિંગ રિન્ક્સ ઈન કેનેડા’ નામથી જારી થયો છે.
રિપોર્ટ પ્રમાણે આ સંગઠન ચેરિટી અને નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન જેવા નેટવર્કનો ઉપયોગ કરી ભંડોળ એકત્ર કરી રહ્યા છે. કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આ સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરાયા છે. આ યાદીમાં હમાસ અને હિઝબુલ્લાહ જેવા ગ્રૂપ પણ સામેલ છે. 2022માં કેનેડાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ અને રિપોર્ટ એનાલિસિસ સેન્ટર (ફિનટ્રેક)એ એક એલર્ટ જારી કરીને જણાવ્યું હતું કે હિઝબુલ્લાહને કેનેડામાંથી સૌથી વધુ ભંડોળ મળ્યું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઘણા આતંકી સંગઠનો રાજકીય હેતુઓ માટે થતી હિંસક પ્રવૃત્તિઓ માટે કેનેડામાંથી ભંડોળ મેળવી રહ્યા છે. આમાં હમાસ, હિઝબુલ્લાહ, ખાલિસ્તાની સંગઠનોનો સમાવેશ થાય છે. આ સંગઠનોને ગુપ્તચર અને તપાસ એજન્સીઓ દ્વારા આર્થિક મદદ લેતાં પકડાયા છે.
ડ્રગ્સની દાણચોરી સૌથી મોટો ખતરો
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કેનેડામાં મની લોન્ડરિંગનો સૌથી મોટો સ્રોત ડ્રગ્સની દાણચોરી છે. આનાથી દર વર્ષે અબજો રૂપિયાની ગેરકાયદે આવક થાય છે.
ભારતની ચિંતા સાચી ઠરી
હવે કેનેડાની ખુદની એજન્સીઓના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતની આશંકા સાચી હતી. અહેવાલમાં કહેવાયું છે કે કેનેડા હવે ભારતવિરોધી તત્વો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે.