બૈજિંગઃ સુરક્ષા દળોને તોફાની તત્વોને અંકુશમાં લેવા શુટ એટ સાઇટ એટલે કે દેખો ત્યાં ઠાર કરોનો આદેશ અપાય છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પણ ચીનનાં સંશોધકોએ તો ગણ ગણ કરીને માનવજાત પર ત્રાસ વર્તાંવતાં મચ્છરાંઓને મારવા અનોખું સાધન વિકસાવ્યું છે, જે મચ્છર નજર પડતાં જ ‘ઠાર’ મારે છે.
ચીનની ટેક કંપનીએ વિકસાવેલા વિશ્વના આ પ્રથમ પોર્ટેબલ ‘મોસ્કિટો એર ડિફેન્સ સિસ્ટમ’ વિકસાવી છે. ફોટોન મેટ્રિક નામનું આ ડિવાઇસ જાતે જ ઉડતા મચ્છરોને ઓળખી લઇને હાઈ-સ્પીડ લેસર બીમથી તેને પળવારમાં ઢાળી દે છે. આ ટેકનિક રડાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પર આધારિત છે. મશીન માત્ર 3 મિલીસેકન્ડમાં મચ્છર ઓળખી લે છે. ખાસ વાત એ છે કે આ ડિવાઇસ માત્ર મચ્છરોને નિશાન બનાવે છે. તે પાલતુ પ્રાણીઓ અથવા બીજા કોઇ જીવોને કોઇ નુકસાન પહોંચાડતું નથી. આ સિસ્ટમના બે મોડલ છે. બેસિક મોડલની રેન્જ 3 મીટર છે જ્યારે પ્રો મોડલની રેન્જ 6મીટર છે. આશરે 40 હજારથી 60 હજારની કિંમતના આ બન્ને મોડલ વોટરપ્રૂફ છે અને એક દિવસમાં આશરે 1 હજાર વર્ગમીટરના દાયરામાં મચ્છરોનો સફાયો કરી શકે છે. એક સેકન્ડમાં 30 મચ્છરોને મારવાની ક્ષમતાની સાથે આ સિસ્ટમ ગાર્ડન, બાલકની, કેપિંગ સાઇટ્સ જેવા આઉટડોર એરિયામાં વિશેષ રીતે ઉપયોગી છે.
સેફ્ટી ફીચરથી સજ્જ ડિવાઇસ
આ ડિવાઇસ સોલર પાવર અને યુએસબી ચાર્જિંગ એમ બન્ને રીતે ઓપરેટ કરી શકાય છે. તેનાથી તે ટ્રાવેલિંગ અથવા આઉટડોર લાઇફસ્ટાઇલ માટે પણ વધુ સુવિધાજનક છે. તેની લેસર સિસ્ટમમાં ખાસ સેફ્ટી અલ્ગોરિધમ છે, જે કોઇપણ મનુષ્યની ત્વચા અથવા આંખ પર તેની અસર થવા દેતી નથી અને કોઈપણ સાઈડ ઈફેક્ટ વિના કામ કરે છે.