ગરીબ દેશો માટે કોરોના રસીનું ઉત્પાદન વધારવા વૈશ્વિક નેતાઓ સંમત

Wednesday 03rd November 2021 03:49 EDT
 
 

રોમઃ ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં કોરોના રસીના ૫૦૦ કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે, જે કોરોના મહામારી સામેની લડતમાં વિશ્વને મદદરૂપ થશે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જી-૨૦ની બેઠકમાં જણાવ્યું હતું. રોમમાં યોજાયેલી ૧૬મી જી-૨૦ની બેઠકમાં ગરીબ દેશો માટે કોરોના રસીનું ઉત્પાદન વધારવા માટે વૈશ્વિક નેતાઓ સંમત થયા છે. વધુમાં અને ક્લાઈમેટ ચેન્જ સામેની લડતમાં પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રી સુધી ઘટાડવા માટે પણ વૈશ્વિક નેતાઓમાં સંમતી સધાઈ છે.
ઈટલીના વડા પ્રધાન મારિઓ દ્રાગીએ કહ્યું કે આપણે દુનિયાના ગરીબ દેશો સુધી કોરોનાની રસી પહોંચાડવાના પ્રયાસો બમણા કરવા પડશે. અમીર દેશોમાં ૭૦ ટકા વસતીનું રસીકરણ થઈ ગયું છે જ્યારે ગરીબ દેશોમાં માત્ર ૩ ટકા વસતીને જ કોરોનાની રસી આપી શકાઈ છે. આ અનૈતિક છે. આ સંદર્ભમાં વિશ્વના બધા જ નેતાઓએ ગરીબ દેશો માટે કોરોના રસીનું ઉત્પાદન વધારવા માટે સહમતી વ્યક્ત કરી હતી.
કોવેક્સિનને ‘હૂ’ની મંજૂરી પેન્ડિંગ
રોમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોના સંદર્ભમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવા અને તેના માટે વેક્સિનેશન સર્ટિફિકેશનને પારસ્પરિક માન્યતા આપવા તંત્ર ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાન મોદીએ કોવેક્સિનના ઈમર્જન્સી વપરાશ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)ની મંજૂરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારતની સ્વદેશી રસીને ‘હૂ’ની મંજૂરી પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે કોવેક્સિનને મંજૂરી અન્ય દેશોને પણ કોરોના સામેની લડતમાં મદદરૂપ થશે.
વધુમાં મોદીએ ૧૫૦થી વધુ દેશોને ભારતના મેડિકલ સપ્લાય અને કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક સપ્લાય ચેઈન જાળવવામાં ભારતના યોગદાન પર પ્રકાશ પાડયો હતો. શ્રૃંગલાએ કહ્યું કે, વડા પ્રધાને ‘ગ્લોબલ ઈકોનોમી એન્ડ ગ્લોબલ હેલ્થ’ સત્ર દરમિયાન આ નિવેદન કર્યું હતું. કોરોના સામે લડવા મજબૂત વૈશ્વિક સપ્લાય ચેઈનની જરૂરિયાત પર ભાર મૂકતા વડા પ્રધાન મોદીએ ભારતના સાહસિક આર્થિક સુધારા અંગે પણ વાત કરી હતી અને જી-૨૦ રાષ્ટ્રોને વૈશ્વિક અર્થતંત્રના સુધારામાં ભારતના ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.
વન અર્થ - વન હેલ્થ
જી-૨૦ની બેઠકના પ્રથમ સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ સામેના જંગમાં ભારતના યોગદાન વિશે વાત કરી વિશ્વને વન અર્થ - વન હેલ્થનો મંત્ર આપ્યો હતો. ૧૫૦થી વધુ દેશોમાં ભારતે પૂરી પાડેલી દવાનો ઉલ્લેખ કરી ભારતના સહકારભર્યા દૃષ્ટિકોણની વાત કરી હતી જેને જી-૨૦માં સામેલ નેતાઓએ આવકાર્યું હતું.
આગામી વર્ષના અંત સુધીમાં ભારત ૫૦૦ કરોડ રસીના ડોઝના ઉત્પાદન માટે તૈયાર હોવાનું પણ મોદીએ કહ્યું હતું. જી-૨૦ દેશોના વડાઓની બેઠકમાં કલાઈમેટ ચેન્જ અને વૈશ્વિક આરોગ્ય પર ચર્ચા કરાઈ હતી. જી૨૦ દેશના નેતાઓ વૈશ્વિક તાપમાને ૧.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ ઘટાડવા પ્રયાસો કરવા સહમત થયાં હતાં.
ગ્લોબલ કોર્પોરેટ મિનિમમ ટેક્સને જી-૨૦ની મંજૂરી
કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓના આભને આંબતા નફા મધ્યે ટેક્સ હેવન દેશોની ધાર બુઠ્ઠી કરવાના લક્ષ્યાંક સાથે જી-૨૦ દેશોએ ૧૫ ટકા ગ્લોબલ કોર્પોરેટ મિનિમમ ટેક્સને મંજૂરી આપી દીધી છે. ૩૧ ઓક્ટોબરે જી-૨૦ના અંતિમ સત્રમાં નવા આંતરરાષ્ટ્રીય ટેક્સ નિયમો અંતર્ગત મલ્ટિનેશનલ કંપની પર ગ્લોબલ મિનિમમ ટેક્સને સંગઠનના દેશોએ મંજૂરી આપી હતી. મલ્ટિનેશનલ કંપનીઓને ટેક્સ હેવન દેશોમાં પોતાનો નફો ઘસડી જતી અટકાવવા માટે આ ટેક્સને મંજૂરી અપાઈ છે. આ આંતરરાષ્ટ્રીય ટેક્સ અમલી બન્યા પછી વિશ્વના દેશોએ મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી ઓછામાં ઓછો ૧૫ ટકા ટેક્સ વસૂલવો પડશે.
આજના આધુનિક જમાનામાં મલ્ટિનેશનલ કંપનીઓ ટ્રેડમાર્ક અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કર્યા વિના તગડો નફો રળી રહી છે. જે દેશમાં ઓછો ટેક્સ હોય ત્યાં તેઓ પેટા-કંપનીઓને કામ સોંપીને નફો રળે છે. કેટલાક દેશો ઓછો ટેક્સ રાખીને કંપનીઓને લલચાવતા હતા. કેટલાક દેશોમાં તો આ કંપનીઓને એકદમ નજીવો ટેક્સ ચૂકવવો પડતો હતો. ૧૯૮૫થી ૨૦૧૮ વચ્ચે સરેરાશ ગ્લોબલ ટેક્સ ૪૯ ટકાથી ઘટીને ૨૪ ટકા પર આવી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter