ગૂગલ મેપથી ખૂલ્યું 39 કરોડ વર્ષ જૂની ઘટનાનું રહસ્ય

Wednesday 29th July 2026 09:12 EDT
 
 

ઓટ્ટાવાઃ ગૂગલ મેપના કારણે કેનેડામાં 39 કરોડ વર્ષ પહેલાંની એક ઘટનાનું રહસ્ય ખૂલ્યું છે. વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન કરતાં એક કેનેડિયનને ગૂગલમાં સર્ચ કરતાં એક ખાડો દેખાયો. તેનો આકાર - કદ કંઇક અલગ જણાયા. તેને વધુ જાણવાની જિજ્ઞાસા થઇ, અને પછી જે જાણવા મળ્યું તે બહુ રસપ્રદ હતું. જાતતપાસ કર્યા પછી જોએલ લાપોઇન્ટે નામના આ કેનેડિયને સાયન્ટિસ્ટને જાણ કરી અને એમાંથી કરોડો વર્ષપૂર્વે બની ગયેલી ઘટના પરથી પડદો ઉઠયો હતો. હવે આ આખી ઘટના ગ્લોબલ કોન્ફરન્સમાં રજૂ થવા જઈ રહી છે.

વાત એમ છે કે ફરવાના શોખીન જોએલે વીકએન્ડમાં ક્યાંક અજાણી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવ્યો. હંમેશની આદત મુજબ તેણે ગૂગલમાં આસપાસના સ્થળો સર્ચ કર્યા. ગૂગલ મેપમાં એ જુદી જુદી જગ્યાઓ એક્સપ્લોર કરતો હતો ત્યારે એક સ્થળે જઈને તેની નજર અટકી ગઈ. કંઈક જુદો જ ખાડો તેને મેપમાં દેખાયો હતો. એની લંબાઈ અજીબ હતી અને દેખાવ પણ જુદો હતો. એ ખાડો જોવા ગયો. તેણે જરૂરી તપાસ કરી તો ખાસ જાણકારી મળી નહીં. ખાડો સ્થાનિક લોકોએ બનાવ્યો હોય એવી પણ કોઈ જાણકારી મળી નહીં.
આથી જોએલે આ ઘટનાની જાણકારી વૈજ્ઞાનિકોને આપી. પ્રોફેસર જોર્ડન ઓસિન્સ્કી અને ફ્રાન્સના સાયન્ટિસ્ટ જેરોમ ગટ્ટાકેકાએ બીજા એક્સપર્ટ સાથે મળીને આ ઘટનાએ જવાનું નક્કી કર્યું. આસપાસમાં દુર્ગમ જંગલ હતું એટલે ઘણી મુશ્કેલી પડી. આખરે એ સ્થળના સેમ્પલ લીધા. તેનું સઘન નિરીક્ષણ કર્યું તો જણાયું કે ખાડો કાળા માથાના માનવીએ તો બનાવેલો નથી. આ પછી વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરતાં જણાયું કે આ ખાડો 39 કરોડ વર્ષ પહેલાં એસ્ટરોઈડ (ઉલ્કાપિંડ)ની ટક્કરથી બન્યો હતો.
સ્થાનિક વિસ્તારોમાં જે આદિજાતિ રહેતી હતી તેના પરથી આ ખાડાનું નામ ઉહાચાટિક રાખવામાં આવ્યું છે. હવે સંશોધકો આ ક્રેટરની જાણકારી ગ્લોબલ કાઉન્સિલમાં આપવાના છે. જેને ઉલ્કાપિંડ પણ કહેવાય છે તેની ટક્કરથી પૃથ્વી પર ઘણા સ્થળોએ આવા ખાડા પડયા છે, પરંતુ આ ખાડાની ભાળ જે રીતે મળી તે રસપ્રદ છે. ગૂગલ મેપમાં જોતાં કોઈ વ્યક્તિની જિજ્ઞાાસાના કારણે કરોડો વર્ષ જૂની અવકાશી ઘટનાનો પત્તો મળ્યો હોય એવી આ પહેલી ઘટના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter