ગૂગલની સેવાઓ ઠપ્પ થતાં દુનિયાભરમાં હોબાળો

Thursday 17th December 2020 03:06 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં સોમવારે સાંજે ગૂગલ સેવાઓ ૪૫ મિનિટ સુધી ક્રેશ થઇ હતી. તેના કારણે સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઇ હતી. ટેક્નોલોજીના આધારે જીવતા કરોડો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જાણકારોના મતે સોમવારે સાંજે પેસિફિક ટાઈમ ઝોન પ્રમાણે સવારે ૩.૪૭ કલાકથી ગુગલના વિવિધ માધ્યમોમાં લોગઇન અને એક્સેસમાં મુશ્કેલી પડવા લાગી હતી અને સવારે ૪.૩૨ વાગ્યા સુધી આ સમસ્યા રહી હતી. આ પછી સેવાઓ ફરી કાર્યરત થઇ ગઇ હતી. ૪૫ મિનિટના આ સમય દરમિયાન ગૂગલની ૧૯ સેવા ઠપ રહી હતી.
આ ટેક્નિકલ ખામી અંગે બાદમાં ગુગલે જણાવ્યું હતું કે, ઈન્ટરનલ સ્ટોરેજ ક્વોટામાં મુશ્કેલી ઊભી થવાના કારણે વૈશ્વિક સ્તરે સમસ્યા સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૯ ઓગસ્ટથી જ ગૂગલના વિવિધ માધ્યમોમાં સમસ્યાઓ સર્જાવાની શરૂઆત થઈ છે. ૨૦ ઓગસ્ટે પણ ગૂગલની ઘણી સેવાઓ થોડા સમય માટે ઠપ થઈ ગઈ હતી અને ત્યારબાદ પુનઃ સ્થાપિત થઈ ગઈ હતી. ત્યારથી લોકો ગૂગલની સેવાઓ અંગે ફરિયાદ કરતા આવ્યા છે.
સોમવારે સાંજે યુટયૂબ, જી-મેલ સહિત ગૂગલની લગભગ તમામ એપ્સે કામ કરવાનું બંધ કરતાં ટ્વિટર પર ગૂગલડાઉન ટ્રેન્ડ થવા લાગ્યું. ટીમ યુટયૂબે ટ્વિટર હેન્ડલ પર જાણ કરી હતી કે, ‘અમે જાણીએ છીએ કે અનેક લોકો યુટયૂબ એક્સેસ નથી કરી શકતા. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. અમે તમને સ્થિતિઓ વિષે અપડેટ કરતા રહીશું.’

સોમવારે ખરેખર શું થયું હતું?

સોમવારે ૪૫ મિનિટ સુધી ગૂગલની ૧૯ જેટલી વિવિધ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. તેને પગલે વૈશ્વિક ધોરણે સમસ્યાઓ સર્જાઈ હતી. માત્ર જીમેલ અને યુટયૂબના ૩૮૦ કરોડ લોકો વિવિધ પ્રકારના કોમ્યુનિકેશન, સેવાઓ અને અન્ય કામગીરીથી વંચિત રહ્યા હતા. ઈન્ટરનલ સ્ટોરેજ ક્વોટામાં સમસ્યા સર્જાવાથી આ સ્થિતિ આવ્યાનો કંપનીનો દાવો છે.

૫૪ ટકા યુટયૂબ એક્સેસ ન કરી શક્યા

બ્રિટનના અખબાર મિરરના અહેવાલ મુજબ ગુગલની વિવિધ સેવાઓ ઠપ થઈ જવાના કારણે વિશ્વમાં ૫૪ ટકા લોકો યુટયૂબને એક્સેસ નહોતા કરી શકતા. ૪૨ ટકા લોકો વીડિયો નહોતા જોઇ શક્યા તો ૩ ટકા લોકો લોગઇન જ નહોતા કરી શકતા. તે ઉપરાંત ૭૫ ટકા લોકો જીમેલમાં લોગઇન જ નહોતા કરી શકતા. ૧૫ ટકા લોકો વેબસાઇટ એક્સેસ નહોતા કરી શકતા. તે ઉપરાંત ૮ ટકા લોકો મેસેજ રિસીવ નહોતા કરી શક્યા.
ગૂગલની હેંગઆઉટ, ગૂગલ ફોર્મ, ગૂગલ ક્લાઉડ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ડોક્સ જેવી સેવા પણ ક્રેશ થઇ ગઇ હતી. આ પહેલાં ૨૦ ઓગસ્ટના રોજ પણ ગૂગલની તમામ સેવા ક્રેશ થઇ હતી.
તે ઉપરાંત ગુગલ સ્માર્ટ અને અન્ય એપ્લિકેશન ઉપર કામ કરનારા અને તેની સાથે ઘર અને ઓફિસની વિવિધ વસ્તુઓ જોડીનો કામ કરનારા લોકો પણ સખત મુશ્કેલીમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં જી-મેલના ૧૮૦ કરોડથી વધુ યૂઝર્સ છે. તો યુટયૂબ ૨૦૦ કરોડથી વધુ યૂઝર્સ ધરાવે છે.

ઠપ્પ થઇ હતી આ ૧૯ સેવાઓ

• જી-મેઇલ • યુટયૂબ • કેલેન્ડર • ડોક્સ • ડ્રાઇવ • શીટ્સ • સ્લાઇડ્સ • સાઇટ્સ • ગ્રૂપ્સ • હેંગઆઉટ • ચેટ
• જીમીટ • વોલ્ટ • કરન્ટ્સ • ફોર્મ્સ • ક્લાઉડ સર્ચ • કીપ • ટાસ્ક અને • વોઇસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter