ગેરકાયદે કામ કરતા ભારતીયો સહિત ૧૦૦ની ધરપકડ થઈ

Monday 02nd January 2017 09:42 EST
 
 

લંડનઃ નેલબાર તરીકે ઓળખાતા નેલ સલૂનો પર દરોડા પાડીને ઈમિગ્રેશન અધિકારીઓએ ગેરકાયદે કામ કરતા ભારતીયો, પાકિસ્તાનીઓ સહિત ૯૭ લોકોની ધરપકડ કરી છે. મોટા ભાગના લોકો વિયેટનામી હતા. આ ઉપરાંત, ઘાના, ચીન, નાઈજિરિયા અને મોંગોલિયાના નાગરિકો પણ પકડાયા છે.

‘ઓપરેશન મેગ્નિફાય’ના ભાગરૂપે લોકોને ગેરકાયદે કામ રાખનારાને નિશાન બનાવતા દરોડા ૨૭ નવેમ્બર અને ત્રીજી ડિસેમ્બરે લંડન, એડિનબરા અને કાર્ડિફના નેલ સલૂનો પર પાડવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન વિભાગે ૬૮ વેપારગૃહોને પણ નોટિસ આપી હતી. જો તેમના દ્વારા બિનઅધિકૃત લોકોને કામે રખાયા હશે તો આવા પ્રતિ કામદાર ૨૦,૦૦૦ પાઉન્ડનો દંડ કરવામાં આવશે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે જે લોકો વાસ્તવમાં માનવતસ્કરીનો શિકાર બન્યા હશે તેમને મદદ કરાશે, જ્યારે બ્રિટનમાં રહેવાનો કોઈ જ અધિકાર નહિ ધરાવનારા લોકોને દેશનિકાલ કરી દેવાશે.

ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગૂડવિલે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બ્રિટનમાં ગેરકાયદે વસતા લોકોને કામે રાખી તેમનું શોષણ કરવા સાથે દેશના ઈમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે ચેતવણી સમાન છે.




to the free, weekly Gujarat Samachar email newsletter