કાહિરાઃ ઇજિપ્તનું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ આખરે જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે. 54 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ સંગ્રહાલયની સરખામણી કરવી હોય તો કહી શકાય કે તે 90 ફૂટબોલ મેદાન જેટલું મોટું છે. તેનું સૌથી મોટું આકર્ષણ રાજા તુતનખામેનની 5,500 દુર્લભ વસ્તુનું પ્રદર્શન છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ તેને ‘દુનિયાને ઈજિપ્તની ભેટ’ ગણાવ્યું છે. આ સંગ્રહાલય વર્ષેદહાડે આશરે 50 લાખ પ્રવાસીઓને આકર્ષિત કરશે તેમ મનાય છે. જોકે આ મ્યુઝિયમના ઉદઘાટન સાથે જ ઈજિપ્તમાં એક નવો અવાજ ગુંજી રહ્યો છેઃ અમે અમારી વસ્તુઓ પાછી ઇચ્છીએ છીએ.
ઈજિપ્તવાસીઓ પ્રાચીન ખજાના અને વારસાને પરત કરવાની માગ કરી રહ્યા છે કારણ કે આમાંની ઘણી વસ્તુઓ વસાહતી સમયગાળામાં ગેરકાયદે રીતે દેશની બહાર લઇ જવાઇ છે. એક પ્રાથમિક અંદાજ અનુસાર, દુનિયાના 70 દેશના 850 સંગ્રહાલયમાં ઇજિપ્તની 20 લાખ વારસાગત વસ્તુઓ ફેલાયેલી છે. આમાંથી બ્રિટનમાં એક લાખ, જર્મનીમાં 80 હજાર, ફ્રાન્સમાં 70 હજાર અને અમેરિકામાં 25 હજાર વસ્તુઓ છે. કાયદાકીય જોગવાઇ પણ ઇજિપ્તની માગનું સમર્થન કરે છે. યુનેસ્કો 1970 અને યૂનિડ્રોઈટ 1995 સંમેલન હેઠળ દેશો તેમના ઐતિહાસિક વારસાને પાછો મેળવી શકે છે. અલબત્ત, આ માટે એવું પુરવાર કરવું જરૂરી છે કે આ વસ્તુઓની ગેરકાયદે રીતે નિકાસ કરાઈ હતી.


